મેટ્રિક એટલે કે ધો. ૧૧ તો ૧૯૬૪માં પાસ કરી નાખ્યું. ત્યારે ૧૦+૨+૪ સિસ્ટમ નહોતી પરંતુ ૧૧+૪ ( એન્જીનીયરીંગ માટે ૧૧+૧+૫ ) પધ્ધતિથી ગ્રેજ્યુએટ થવાતું. હાં તો મેટ્રિક તો આસાનીથી સારા માર્ક્સે પાસ કરી નાખી અને એમ એમ સાયન્સ કોલેજ-મોરબીમાં એડ્મીશન લઈ લીધું. પ્રિ સાયન્સ કહેવાતું પહેલું વર્ષ પણ સારા માર્ક્સે પાસ કરી નાખ્યું. અને હવે શરૂ થઇ રામાયણ!
સારા માર્ક્સ મળે એટલે એન્જીનીયરીંગ અથવા મેડીકલમાં જ જવાય. સારા માર્ક્સ એના માટેજ આવે છે. ત્યારે સુથાર માટે એન્જીનીયરીંગનો ક્રેઝ હતો જયારે બીજી જ્ઞાતિના લોકો ડોકટરી તરફ પણ ધ્યાન દોડાવતા. હું પણ આસાનીથી દાખલ થયો બી.ઈ. મીકેનીકલમાં. સાથે જુના મિત્રો તો ખરાં જ. મને તો ખાસ નહિ પણ સાથે દાખલ થયેલા મિત્રો કચકચ કરવા લાગ્યા કે સાલી આ તે કોઈ કોલેજ છે? એક પણ છોકરી નહિ, આનું નામ લખધીરજી એન્જીનીયરીંગ કોલેજને બદલે "બજરંગ કોલેજ’ રાખવું જોઈએ. આમા તો ભણવાની શું મઝા આવે? ધીરે ધીરે મને પણ એનો રંગ લાગ્યો કે વાત તો સાચી છે, આમાં કેમ ભણાય? જોકે આજની વાત જુદી છે, આજે ત્યાં ભણતા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન નહિ નડતો હોય કેમકે હવે એ કોલેજમાં "વિદ્યાર્થીનીઓ’ પણ અભ્યાસ કરી રહી છે. નસીબની વાત છે, નહીતર અમારા ભાગ્યમાં જ સાવ એવો ડ્રાય એરિયા!
ખૈર, આવા વાતાવરણમાં પણ શક્ય આનંદ તો મેળવી જ લેતા. એક વાર ફીઝીક્સનો પ્રેક્ટીકલ હતો, જે વાછાણી સાહેબ લેતા. હવે આ વાછાણી સાહેબ "છ’ ને બદલે "સ’ બોલતા અને અમે તેની ભરપુર મજા લૂટતા. થયું એવું કે સાહેબ બોલ્યા "પસે તમારે આ પ્રતિબિંબ જોવા આ સળિયાની પાસળથી જોવું પડશે. હવે મારાથી અને ગાંધી ( સહવિદ્યાર્થી ) થી હસવું રોકાય નહિ, પણ હસવું કઈ રીતે? અને એમાં મને ટીખળ સુઝી કે "ગાંધી આ વાછાણી પાસે ફરી "પાસળ’ બોલાવું?’ અને તેના જવાબની રાહ જોયા વગર એકદમ ગંભીર થઈને મે પૂછ્યું "સાહેબ આ પ્રતિબિંબ બરાબર દેખાતું નથી, કઈ રીતે જોવું?’ જવાબ-"તમે આ સળિયાની બરાબર પાસળથી જુઓ તો જ...... અને મે અને ગાંધીએ જે અત્યાર સુધી હાસ્ય દાબી રાખ્યું હતું તે પુરા જોસમાં બહાર આવીનેજ રહ્યું અને ખડખડાટ હસી પડ્યા. સાહેબ એકદમ ઝંખવાણા પડી ગયા અને "પસે’ ગુસ્સે થઇ ગયા. પસે? પસે શું, અમને બન્નેને પ્રેક્ટીકલમાંથી તગડી મુક્યા એક અઠવાડિયા માટે.
ખૈર, આવા વાતાવરણમાં પહેલું વર્ષતો નીકળી ગયું અને પાસ પણ થઇ ગયો. મિત્રો પણ પાસ થઇ ગયા. પણ એ લોકો સીરીઅસ હતા બજરંગ બલીથી પીછો છોડાવવામાં, એટલે કે એન્જીનીયરીંગ કોલેજ છોડવામાં. અને એમણે એન્જીનીયરીંગ કોલેજ છોડી પણ ખરી અને દાખલ થયા એફ. વાય. બી. એસ સી માં. અને ખરેખર તેમણે એફ વાય સારા માર્ક્સે પાસ કરી અમદાવાદમાં બી.જે. મેડીકલ કોલેજમાં એડમિશન લીધે છુટકો કર્યો. એ મિત્રો હતા શશીકાંત મહેશ્વરી, જેણે એમ.બી.બી.એસ. કરીને કામદાર રાજ્ય વીમા યોજનામાં ડોક્ટર તરીકેની સર્વિસ મેળવી અને બીજા વી. એસ. ચંદારાણા, જે આજે રાજકોટમાં હાર્ટ સ્પેસીયાલીસ્ટ છે. તો મે? ભાઈ હું તો બી.ઈ.-૨ માં મંડ્યો આગળ ધપવા.
પણ મિત્રોની ગેરહાજરી સતત સતાવવા લાગી. ભણવામાં મન જરા પણ ચોંટે નહિ. અલબત્ત મને બજરંગ કોલેજ જેવું કંઈ લાગતું નહોતું, પણ જુના મિત્રોની ખોટ પુરાણી નહિ અને નવા મિત્રો સાથે આત્મીયતા કેળવી ના શક્યો. થાકીને છેવટે મે મારા કાકાને ( બાપુજીને હું કાકા કહેતો, જે ખરેખર ગામડાંનો રીવાજ હતો, કદાચ ચાંચાપર નો ) વાત કરી કે હવે મારે ભણવું નથી. પહેલાતો ખુબ સમજાવ્યો પણ હું મક્કમ રહ્યો. અંતે બીજા વર્ષની બીજી ટર્મમાં મે પણ કોલેજ અને ભણતર બન્ને છોડી દીધા.
કારખાનું તો ઘરનું હતું તે લગાડી દીધો કામે. પછી મને કહેવામાં આવ્યુ કે અહિયા તુ કંઈ વધારે નહિ શીખી શકે તો તને રાજકોટના કોઈ કારખાને લગાડી દઈએ. મોટા બે બેન રાજકોટ રહેતા હતા તેમાંથી પ્રભાબેનના ઘરે આપણી ટ્રાન્સફર થઇ. બનેવીશ્રી મોહનલાલે એક કારખાનામાં રોજના રૂ. ૪/- લેખે ( ૧૯૬૭-૬૮ ની સાલની વાત છે ) એક કારખાનામાં ચોટાડી દીધો. અને હું પણ ચોટી ગયો. એવામાં મોરબીથી કોઈવાર મોટાભાઈ કે કાકા કારખાને મળવા આવતા તો મન એકદમ ભરાઈ આવતું અને તેમના ગયા પછી છાનેખુણે રોઈ પણ લેતો એ બરાબર યાદ છે.
હવે એવામાં સીઝન આવી રીઝલ્ટની. સગાવહાલામાં જે લોકો ભણતા હોય એમના રીઝલ્ટ જોઈને એકદમ દુ:ખી દુ:ખી થઇ જતો, અ રે રે, મે ક્યાં આ ભણવાનું છોડ્યુંને આ રીતે કારખાનામાં મજુરી કરવા લાગ્યો! પાછો મોરબી ગયો અને પ્રસ્તાવ મુક્યો કે મારે ભણવું છે. મનમાં મારાં મિત્રો રમતા હતા તેથી એ પણ કહ્યું કે મારે ડોક્ટર થવું છે. મને હતું કે જરા ખણભણાટ થશે, પણ એવું ખાસ થયું નહિ પણ કાકા તરફથી વોર્નિંગ મળી કે જે કરવું હોય તે કર પણ આમ અધવચ્ચે છોડવાનું નથી. જે કર તે પુરું કરવાનું, સમજ્યો? પણ કોઈએ એવી સલાહ ના આપી કે ભાઈ ડોક્ટર થવાની તારી ત્રેવડ નથી. બીજું ગમે તે કર. અને હકીકતમાં હું ગણિતનો વિદ્યાર્થી હતો પણ ભણવા માટે કંઈક બહાનું તો જોઈએને? અને મિત્રો પાછળ હું પણ અમદાવાદ જવા માંગતો હતો.
ખૈર કોઈ વિરોધ વિના પાછો એમ. એમ સાયન્સ કોલેજમાં એફ. વાય. બી ગ્રુપમાં દાખલ થયો.
હવે ગણિતનાં વિદ્યાર્થીને બાયોલોજી ભણવાનું! કેમ કરી પાસ થશું? અચ્છા એ સિવાય મારી સાથે જે મિત્રો પ્રિ-સાયન્સમાં હતા તે બધા ટી.વાય. માં. મારાથી બે વર્ષ આગળ. સાલી શરમ પણ એવી આવે અને મિત્રો ચીડવે પણ ખરા. એન્જીનીયરીંગના બે વર્ષ અહિં મને બરાબરના ફળ્યાં!!! પણ છુટકો જ નહોતો. એક્ઝામ આપી અને રીઝલ્ટ આવ્યું. નાપાસ તો ના થયો પણ માર્ક્સ રોકડા ૬૦ (રીપીટ સાઠ) % આવ્યા, જે અત્યાર સુધીમાં આવેલ નબળામાં નબળું રીઝલ્ટ હતું. હવે?
મેડિકલનો તો કોઈ ચાન્સ જ નહોતો. અને એ સારું પણ થયું નહીતર મારે એમ.બી. બી. એસ. એન્જીનીયરીંગની જેમ અધવચ્ચે જ છોડી દેવું પડત, જે મારાં સિવાય ઘરના કોઈ સહન ન કરી શકત. અલબત્ત કારણ બદલાઈ જાત. બજરંગ કોલેજ કે મિત્રોની ગેરહાજરીને બદલે બાયોલોજી વિષય આવી જાત.
હવે બીએસ. સી. જ કર્યે છુટકો. પણ સબ્જેક્ટ કયો રાખવો? જોકે નક્કી જ હતું કે ગણિત. બે કારણથી. એક તો મોરબીમાં સાયન્સ કોલેજમાં મેથ્સ વિષય નહોતો જેથી અમદાવાદ મિત્રો પાસે જઈ શકાય અને બીજુ ગણિત મારો ફેવરીટ વિષય હતો. હવે પાછો બીજો એક પ્રોબ્લેમ આવ્યો કે એફ વાય બી ગ્રુપ બાયોલોજી સાથે કર્યુ તો એસ વાય માં એ ગ્રુપમાં એડમિશન કેમ મળે? તેનો એક રસ્તો એ નીકળ્યો કે મે બી.ઈ. -૧ પાસ કરેલ છે, જે એફ. વાય. એ ગ્રુપની સમકક્ષ ગણાય. તેના માર્ક્સ પર એસ. વાય. માં એડમિશન લેવું,
ઉપડ્યો અમદાવાદ. મળ્યો ભવન્સ કોલેજના પ્રિન્સિપાલ કે.કે શાહ સાહેબને. જે ગણિતપ્રેમી હતા, અને કોઈ વિદ્યાર્થી જો બી. એસ સી. માં ગણિત લેવા માંગતો હોય તો પૂરી મદદ કરતા. આમ પણ મેથ્સ સ્ટુડન્ટની સંખ્યા પણ ક્યાં થતી હતી? ફાયનલ યરમાં અમે ક્લાસ માં સાત વિદ્યાર્થી હતા અલબત્ત એક વિદ્યાર્થીની પણ. તો થોડી માથાકુટ કરતા એડમિશન તો મળી ગયું, અને એમણે પણ મને કહ્યું કે આ પહેલો અને કદાચ છેલ્લો દાખલો છે આ રીતે "બી’ ગ્રુપ વાળાને "એ’ ગ્રુપમાં એડમિશન આપવાનો. પણ પતી ગયું એડમિશનનું કામકાજ. અને આમ એક વર્ષ બી.ઈ.-૨ અને એક વર્ષ એફ.વાય. સાયન્સ વીથ બાયોલોજી નું બગાડીને પણ બે વર્ષે ડીસ્ટીન્કશન માર્ક્સ સાથે બી. એસ સી. વીથ મેથ્સ થઇ ગયો.
તો મિત્રો આમાંથી કંઈ શીખ્યા કે કેમ ગ્રેજ્યુએટ થવાય કે પછી બધું ઉપરથી ગયું. જે જેની આવડત બીજું શું! છતાં કંઈ મુશ્કેલી લાગતી હોય તો નિ:સંકોચ પૂછી શકો છો ગ્રેજયુએટ થવા માટે. થોડું તમને પણ જ્ઞાન પ્રાપ્ત થશે અને મને પણ આનંદ થશે કે કોઈકને મારી આ કળા કામ તો આવી, પછી તો જેવા જેના નશીબ. તો ચાલો "બેસ્ટ ઓફ લક’. હવે આપણો વિષય હતો ગ્રેજુયુએટ થવાનો, જે થઇ ગયો, અને આગળ જોઇન્ટ કર્યુ એમ. એસ સી. અમદાવાદની સ્કુલ ઓફ સાયન્સમાં. પણ ઈ સ્ટોરી ભવિષ્યમાં ક્યારેક. અત્યારે તો જે શી કૃષ્ણ.