સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજન: પ્રાચીન-અર્વાચીન રાસોત્સવમાં ઈનામ વિતરણ.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં નવલા નોરતાની ભવ્ય ઉજવણી પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવ સાથે કરવામાં આવી હતી. શુક્રવારે નવમા નોરતે પ્રાચીન રાસોત્સવમાં રાસ-ગરબાની સાથે લહાણી કરવામાં આવી હતી. અર્વાચીન રાસોત્સવમાં પણ ઈનામ વિતરણ કરવામાં આવ્યાં હતાં અને ખેલૈયાઓએ ડી.જે.ની સંગાથે ડિસ્કો, દાંડીયાની રમઝટ બોલાવી હતી. નવરાત્રી દરમિયાન ભાવિકો દ્વારા માતાજીની આરાધના જપ, ધૂન, ભજન, કિર્તન સાથે કરવામાં આવી હતી અને વિશેષ પૂજન-અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. નવલા નોરતા પૂર્ણ થયા બાદ આજે શનિવારે દશેરાની ઉજવણી કરવામાં આવી હતી અને આખો દિવસ લોકોએ મિઠાઈ-ફરસાણની મજા માણી હતી. રાત્રીના રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. અને અસત્ય ઉપર સત્યના વિજયને વધાવવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્રભરમાં શનિવારે દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિત શહેરોમાં રાત્રે પૂતળાં દહનના કાર્યક્રમો યોજાયા હતા. લોધીકા તાલુકાના વાજડી (વડ) ગામે રાજપૂત (ક્ષત્રિય) સમાજના યુવાનો દ્વારા રામજી મંદિરના પટાંગણમાં નવરાત્રી દરમિયાન સાંસ્કૃતિક રાસ ગરબા સાથે નવલાં નોરતામાં માતાજીના ગરબા રાસ આયોજન કરાયું હતું.
તેમ જ દરરોજ બાળાઓને લહાણી આપવામાં આવી હતી. છંદ, દુહાના સંગાથે નવરાત્રી ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ધોરાજીમાં જૂનાગઢ રોડ લાડુમાં મહાજન વાડી ખાતે લોહાણા મહાજન સમાજ દ્વારા દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાસોત્સવમાં સિનિયર, જુનિયર ભાઈઓ તથા બહેનોની સ્પર્ધા યોજવામાં આવી હતી.