રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે ફિશરીઝ હાર્બરનું ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું હતુ કે, ગુજરાતનો દરિયા કિનારો વર્ષોથી આ વિસ્તારના લોકોની આર્થિક સમૃદ્ધિનું કેન્દ્ર બની રહ્યો છે. પ્રાચીન સમયથી જ ગુજરાતના વિકાસમાં દરિયા કાંઠો બહુ મોટું યોગદાન આપી રહ્યો છે. આવા દરીયાકાંઠાના વિકાસની સાથે આ વિસ્તારના લોકોની આર્થિક સમુદ્ધિ માટે ગુજરાતમાં ખૂબ સારું કાર્ય થયું છે. દરમિયાન ગાંધીજીના જ્ન્મસ્થાન પોરબંદરના કીર્તિમંદિરની મુલાકાત લઇને તેમણે બાપુને પુષ્પાંજલિ અર્પી હતી. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગામડું સ્વચ્છ રાખવું એ બાપુ પ્રત્યેની સાચી શ્રદ્ધા છે. ૧૦૦ ટકા ગ્રામીણ સ્વચ્છતાનું લક્ષ્ય પ્રાપ્ત કરીને ગુજરાતે આપણા બાપુના પ્રતિ સાચી શ્રદ્ધા વ્યક્ત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આપણી આઝાદીનીના કર્ણધાર હતા. લોખંડી પુરુષ સરદાર પટેલ આપણી એકતાના નિર્માતા હતા. ભારતને સમગ્રપણે સ્વચ્છ બનાવવું દરેક ભારતવાસીની જવાબદારી છે, આ વાત બાપુએ જોતે સફાઈ કરીને સૌને શીખવાડવાનો પ્રયાસ કર્યો. સોમવારે જૂનાગઢના માંગરોળમાં ખાતમુહૂર્ત કરવા આવેલા ફિશરીઝ હાર્બરએ આવનારા સમયમાં આ વિસ્તાના લોકો માટે સમૃદ્ધિનું દ્વાર ખોલશે, ફિશરીઝ હાર્બર થકી યુરોપિયન માપદંડો અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અહીંના માછીમારો અને મત્સ્ય ઉત્પાદન સાથે સંકળાયેલા નિકાસકારોને ઉપલબ્ધ બનશે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન જેલમાં બંધક માછીમારના મૃત્યુના કિસ્સામાં રાજ્ય સરકાર તેના પરિવાજનોને રૂપિયા ૪ લાખની સહાય આપશે. તેમણે અન્ય એક મહત્ત્વપૂર્ણ ઘોષણા કરી કે, દરિયામાં કોઈ માછીમારના માછીમારી દરમિયાન ગુમ કે લાપતા થવાના કિસ્સામાં અગાઉ મૃત્યુ સહાય આપવામાં ૭ વર્ષનો સમય થતો હતો. આ સરકારે હવે આવી સહાય પણ માત્ર ૧ વર્ષમાં જ આપી દેવાનો નિર્ણય કર્યો છે.