સામાન્ય રીતે સવારનો સમય જ આપણે વર્કઆઉટ માટે આદર્શ સમય માનીએ છીએ, પણ સવારના ટાઈટ શિડયુલમાં વર્કઆઉટ માટે સમય ફાળવવો મુશ્કેલ બની જાય છે, તેથી સાંજે પણ વર્કઆઉટ કરી શકાય. સાંજે વર્કઆઉટ કરવાના અનેક નિયમ છે જેને ધ્યાનમાં રાખવા જરૂરી છે.
ટાઈટ શિડયુલ હોવાને કારણે ખાસ કરીને સ્ત્રીઓ સાંજે જ વર્કઆઉટ કરવાનું પસંદ કરે છે. સાંજે ઓફિસ જવાની દોડધામ કે ઘરકામનું કોઈ ખાસ પ્રેશર ન હોવાથી સાંજે વર્કઆઉટ કરવાથી આખાય દિવસનો થાક પણ દૂર થઈ જાય છે અને બોડીને રિફ્રેશમેન્ટ અને એનર્જી મળે છે.
પ્રિ-વર્કઆઉટ
સાંજે વર્કઆઉટ કરતા પહેલાં પ્રિ વર્કઆઉટ કરવાનું શરૂ કરો. તેનાથી તમારી બોડી વોર્મઅપ થઈ જશે અને તમારે વધુ એનર્જી નહીં લગાવવી પડે. સાંજે વર્કઆઉટ કરનારે આ ટિપ્સ ધ્યાનમાં રાખવા જેવી છે.
ટાઈમિંગ
સાંજે વર્કઆઉટ કરનારે તેનો સમય નિશ્ચિત કરી લેવો જોઈએ. નિયમિત સમયે જ વર્કઆઉટ કરવું જોઈએ. આ રીતે ટાઈમિંગની નિયમિતતા જાળવવાથી બોડીને આદત પડી જાય છે અને વર્કઆઉટની થાક નથી લાગતો, તેનાથી ઊલટું આખાય દિવસનો થાક દૂર થાય છે.
કોફી પીઓ
જો તમે સવારમાં વર્કઆઉટ કરો તો આખી રાતના આરામ પછી શરીર થાકેલું ન હોય, પણ સાંજે આખો દિવસ કામ કરીને બોડી થાકી ગઈ હોય છે, તેથી વર્કઆઉટ કરતા પહેલાં બોડીને રિફ્રેશમેન્ટ અને એકસ્ટ્રા એનર્જીની જરૂર હોય છે. તેથી સાંજે વર્કઆઉટ કરતા પહેલાં કોફીનું સેવન કરવાની આદત પાડો. વર્કઆઉટ કરતા પહેલાં એક કપ કોફી સ્ટેમિનામાં વધારો કરે છે. કોફીની જગ્યાએ ગ્રીન ટી પણ લઈ શકાય.
પાણી પીઓ
વર્કઆઉટ કરતા પહેલાં અને કરતી વખતે વચ્ચે વચ્ચે થોડું થોડું પાણી પીવું જોઈએ. તેનાથી બોડીમાં ડિહાઈડ્રેશનની સમસ્યા નથી રહેતી અને સ્ટેમિના જળવાઈ રહે છે.
બે કલાક બાદ ભોજન કરવું
સાંજે વર્કઆઉટ કર્યા પછી બે કલાક બાદ ડિનર લેવું જોઈએ. જો વર્કઆઉટ બાદ ભૂખ લાગી હોય તો તરત જ થોડું લાઈટ ફૂડ લઈ શકાય, પણ તરત જ હેવી ફુડ લેવાનું ટાળવું. આ અમુક સરળ ટિપ્સ છે જેને અનુસરીને જો વર્કઆઉટ કરવામાં આવે તો વર્કઆઉટ ફાયદાકારક રહે છે.