ગીર જંગલની પાંચ વર્ષની એક સિંહણનું કૃમિની બીમારીથી મૃત્યુ થયાનું જાણવા મળે છે. મળતી વિગતો મુજબ ગત તા.૫ના રોજ વિસાવદર સાસણ રોડ ઉપર આવેલ જૂની આલવાનીના જંગલમાંથી આ સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના મૃતદેહના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આ સિંહણનું મોત કૃમિથી થયાનું જણાવ્યું હતું. આ અંગે તજજ્ઞોનું કહેવું છે કે, સામાન્ય રીતે કૃમિની બીમારી માનવીમાં થાય છે, પરંતુ દવાથી તેને સારું થઈ જતું હોય છે. જ્યારે સિંહ કે દીપડાને આવી બીમારીમાં સમયસરની સારવાર મળતી ન હોવાથી મરણ પામે છે. છેલ્લા ૩ વર્ષથી દર વર્ષે આવી રીતે ૧૨થી ૧૫ સિંહના ગીરમાં મોત થયા છે. કૃમિની આ બીમારીથી સિંહના ફેફસાંને માઠી અસર થાય છે. તેના રક્તકણો ઘટી જાય છે અને તેનું મૃત્યુ થાય છે. આ રીતે ઉપરોક્ત સિંહણનું મૃત્યુ થયું હતું.