ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માદરે વતન વડનગરની મુલાકાત લીધી હતી. જ્યાં વડા પ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પ્રથમ વાર જ માદરે વતન વડનગરની મુલાકાત લીધી હતી. વડનગરમાં મોદીએ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું લોકાર્પણ, બસ ટર્મિનસનું લોકાર્પણ, તેમ જ મિશન ઇન્ટેસિફાઈન્ડ ઇન્દ્રધનુષનું લોચિંગ પણ કર્યું હતું. વડનગરમાં વડા પ્રધાનના રોડ શોમાં ભારે જનમેદની ઊમટી પડી હતી. મોદીએ હાટકેશ્ર્વર મહાદેવના દર્શન કર્યા હતા અને માદરે વતનની ધરતીને નમન કર્યું હતું. ત્યાર બાદ યોજાયેલી જનસભાને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ ભૂમિએ જ્યારે હું મુખ્ય પ્રધાન હતો ત્યારે પણ ઊર્જા આપી હતી અને આજે હું અહીંથી વિદાય લઈશ ત્યારે પણ એક નવી ઊર્જા લઈને જઈશ. હું આ ભૂમિને વચન આપું છું કે, હું દેશના વિકાસ માટે પહેલા કરતા વધુ મહેનત અને પુરુષાર્થ કરીસ અને આ ભૂમિનું શીશ ઝૂકવા નહીં દઉં. વડા પ્રધાને વિપક્ષ દ્વારા વિકાસના નામે થઈ રહેલા અપપ્રચારનો જડબાતોડ જવાબ આપ્યો હતો. આજે હું મેડિકલ કોલેજના યુવાનોને મળ્યો સમાજને લોકોની સેવા કરી એવા ડૉક્ટર્સની વધારે જરૂર છે. અમે સ્ટેન્ટની કિંમત ઓછી કરી જેથી ગરીબો પણ ઓછી કિંમતે હૃદયને લગતી સમસ્યાની સારવાર કરી શકે. વાજપેયી સરકાર પછી ૧૦ વર્ષ એવી સરકાર આવી જેને વિકાસ અને સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રત્યે નફરત હતી. આવનારા દિવસોમાં વડનગર આકર્ષણનું કેન્દ્ર બનશે. હું જ્યારે સી. એમ. હતો ત્યારે મેં વડનગરમાં ખોદકામ શરૂ કરાવ્યું હતું. એ સમયે બધા કહેતા આ શું કરાવી રહ્યા છો ? તેનો વિરોધ પણ કર્યો તેમ છતાં ભારત સરકાર અને ગુજરાત સરકારનું આર્ક્યોલોજી ડિપાર્ટમેન્ટ કામ કરતું રહ્યું એના ફળસ્વરૂપે પુરાતત્વ વિભાગે જે શોધ્યું છે તે ભારતમાં જ નહીં, પરંતુ વિશ્ર્વના પુરાતત્વવિદો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પુરાતત્વ વિભાગે સંશોધનમાં જાણ્યું કે ૨૫૦૦ વર્ષથી જીવિત રહેલું વડનગર એકમાત્ર જૂનું નગર છે. આ નગર કોઈ પણ કાળખંડમાં મ્ાૃતપાય: થયું નથી. ચાઇનીઝ ફિલોસોફર આવ્યા ત્યારે અહીં રોકાયા હતા તેમણે લખ્યું હતું કે વડનગરમાં સેંકડો વર્ષો પહેલા ભગવાન બુદ્ધના ભિક્ષુકોની શિક્ષાનો કાર્યક્રમ થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન સાથે જોડાયેલી પોતાની સ્મ્ાૃતિને તાજી કરતા જણાવ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ જ્યારે ગુજરાત આવ્યા હતા એ સમયે તેમણે મને કહ્યું હતું કે તમારો અને મારો સવિશેષ નાતો છે ત્યાર બાદ હું ચીન ગયો ત્યારે રાષ્ટ્રપતિ મને તેમના ગામ લઈ ગયા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે ચીન ફિલોસોફર વડનગરમાં રોકાયા હતા અને લાંબા સમય સુધી અધ્યયન કર્યું હતું. આમ હિન્દુસ્તાનમાં મોદીના ગામમાં અને ચીનમાં રાષ્ટ્રપતિના ગામમાં રોકાયા હતા. ફિલોસોફરના હાથે લખાયેલા પત્રો આપ્યા હતા જેમાં ઉલ્લેખ કરાયો હતો કે વડનગર પહેલા આનંદપુરથી જાણીતું હતું.-