પાણીપુરી, પાઉંભાજી, પિઝા અને પંજાબી વાનગીઓ આ નામ આવતાંની સાથે જ સ્વાદના શોખીનોના મોંમાં પાણી આવી જતાં હોય છે. નાના-મોટા સૌ કોઈને બહારની આવી ચટાકેદાર વાનગીઓ ખાવાનો શોખ હોય જ છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને આવો ખોરાક લીધા પછી એસિડિટીની સમસ્યા થઈ જતી હોય છે. એસિડિટી કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. તેના કારણે વ્યક્તિને છાતીમાં બળતરા, ઉલ્ટી અને પેટમાં દુખાવો થાય છે. પેટની ગેસટ્રિક ગંથ્રિઓમાં જ્યારે એસિટિક પદાર્થો વધી જાય ત્યારે એસિડિટીની તકલીફ થતી હોય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે વ્યક્તિએ પોતાને ભાવતી વસ્તુઓ ખાવાનું છોડી દેવું પડે. એસિડિટીની તકલીફ દવા કર્યા વિના દૂર કરી જીભના સ્વાદને સંતોષી શકાય છે.
એસિડિટીની સમસ્યા લીલાં શાકભાજી અને તાજા ફળ ખાવાથી દૂર થઈ શકે છે. આ સિવાય અહીં એવા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે જેને અમલમાં મુકવાથી કાયમ માટે આ તકલીફ દૂર થઈ શકે છે.
– જે લોકો ભોજનમાં અનિયમિત હોય અને કસરત કરતાં ન હોય તેવાં લોકો સામાન્ય રીતે એસિડિટીનો ભોગ બને છે. વધારે પડતું ભોજન કરવાથી તેમજ ચા-કોફી પીવાથી પણ આ તકલીફ થતી હોય છે તેથી સૌથી પહેલાં આ બાબતે સજાગ થઈ જવું.
– જો તમારું વજન વધારે હોય તો સૌ પહેલાં વજનમાં ઘટાડો કરવો. દિવસ દરમિયાન લેવાતાં ભોજનમાં ફેરફાર કરવા. જેમાં ફળ અને સલાડનો મહત્તમ ઉપયોગ કરવો.
– એસિડિટી મટાડવા માટે વધુ ફાઈબર ધરાવતી ખાદ્ય સામગ્રી ખાવી. ખોરાકમાં દરરોજ 35 ટકા વધુ ફાઈબર ધરાવતી ચીજો ખાવી જેમાં અનાજ, બ્રેડ, દાળ, ચોખા ખાવા જોઈએ, આ ઉપરાંત 40 ટકા તાજા ફળ ખાવા.
– ફળોમાં પપૈયુ, જાંબુ, વધારે પ્રોટીન ધરાવતી ચીજો, હર્બલ ચા, કેળા, કાકડી, તરબૂચ, નારિયેળ પાણી વગેરે લેવાં જોઈએ.