દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. નવસારી શહેર અને જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે અમરેલીમાં પણ ગુરુવારની રાત્રે પાંચ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા નદી નાળામાં પૂર આવ્યા હતા. આ ઉપરાંત શુક્રવારે પણ અમરેલીમાં ભારે ઝાપટાં વરસ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં પણ ધોધમાર વરસાદથી નદી નાળા વહેતા થયા હતા. ગીર જંગલમાં ભારે વરસાદ વરસ્યો હતો. નવસારી શહેર અને જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જોકે હાલ ડાંગરની સિઝન ચાલી રહી હોય, ભારે વરસાદના પગલે ડાંગર પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ડાંગરનો પાક હાલ કાપણીના આરે આવીને ઊભો છે, તેવામાં આ પ્રકારે ભારે વરસાદ આવવાના કારણે ખેડૂતોને મોટાપાયે નુક્સાન જવાની ભીતિ સેવાઇ રહી છે. પાકને નુક્સાન જવાની સાથે સારો ભાવ ન પણ મળે તેવી શક્યતાઓના પગલે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. અમરેલી પંથકમા ગઇ સાંજથી જ વાતાવરણમાં ભારે બદલાવ આવ્યો હતો અને ગુરુવારની મોડી રાત સુધીમાં રાજુલામાં સાડા પાંચ ઇંચ, જાફરાબાદમા ચાર ઇંચ અને ખાંભામા સવા ઇંચ સહિત જિલ્લાભરમાં વરસાદ ત્રાટક્યો હતો જેને પગલે ફરી એકવાર નદીઓમા પૂર દોડ્યા હતા. મગફળી, તલનો પાક તૈયાર છે ત્યારે આ વરસાદથી આ પાકોને ભારે નુકસાન પહોંચ્યુ છે. દિપાવલી આડે ગણતરીના દિવસો બાકી છે. તેવા સમયે અમરેલી પંથકમા જાણે અષાઢ વરસતો હોય તેમ અનરાધાર વરસાદ ત્રાટકયો હતો. ખાસ કરીને રાજુલા પંથકમા ગઇરાતથી જ અનરાધાર વરસાદ તૂટી પડ્યો હતો. હવામાનમાં બદલાવ આવતા આજે ખાંભા પંથકમા પણ સવા ઇંચ વરસાદ પડ્યો હતો. તો સાવરકુંડલામા એક ઇંચ અને અમરેલીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. લાઠી, લીલીયા, બગસરા, ધારી સહિતના શહેરોમાં અવારનવાર ઝરમર વરસાદ વરસ્યો હતો.