દિવાળીના પર્વમાં નવી નવી વાનગી બનાવીને અતિથિઓને ખવડાવવાનો આનંદ અનેરો હોય છે. તેમાં પણ ઘરે બનાવેલી વાનગીનો સ્વાદ જરા હટકે હોય છે. દિવાળીમાં ઘરે બનાવી શકાય તેવી કેટલીક તીખી-મીઠી વાનગીઓનો રસથાળ
----------------------------
કાચા કેળાની ચટપટી સેવ
સામગ્રી : ૧/૪ ચોખાનો લોટ, અડધો કપ ચણાનો લોટ, ૧ નંગ બાફેલું કાચું કેળું, ૧ નાની ચમચી વાટેલાં આદું-મરચાં, એક ચમચી લીંબુનો રસ, ૧ ચમચી તેલ, અડધી ચમચી બેકિંગ સોડા, સ્વાદાનુસાર મીઠું, તળવા માટે તેલ.
બનાવવાની રીત : એક બાઉલમાં ચોખાનો લોટ, ચણાનો લોટ, સ્વાદાનુસાર મીઠું, બેકિંગ સોડા, ભેળવીને લોટને ચાળી લો. તેમાં બાફેલાં કાચા કેળાનો માવો ભેળવો. આદું-મરચાં, લીંબુનો રસ ભેળવીને લોટ તૈયાર કરો. સેવના સંચામાં લોટ નાખીને ગરમ તેલમાં સેવ પાડો. કડક થાય એટલે કાઢી લો.
--------------------------
બટર ચકલી
સામગ્રી : ૫ કપ ચોખાનો લોટ, ૧/૪ માખણ, ૫ નાની ચમચી અડદની દાળ, ૧ નાની ચમચી જીરું, ૧ નાની ચમચી તલ, થોડું દૂધ, સ્વાદાનુસાર મીઠું તળવા માટે તેલ.
બનાવવાની રીત : અડદની દાળને સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. ઠંડી થાય એટલે તેને વાટી લેવી. એક મોટા બાઉલમાં દાળના ભૂકાને કાઢી લો. તેમાં ચોખાનો લોટ,આદું-મરચાં, તલ, જીરું ,મીઠું ભેળવીને દૂધ ભેળવો જરૂર મુજબ પાણી લઈને થોડો કડક લોટ બાંધી લો. ચકલી બનાવવાની જાળી ગોઠવીને ચકલી પાડો. ગરમ તેલમાં કડક થાય ત્યાં સુધી તળી લો.
-----------------------------
મીઠા કાજુ
શકક્રપારા
સામગ્રી : ૧ કપ કાજુનો પાઉડર, ૧ કપ મેંદો, અડધો કપ દળેલી ખાંડ, ૨ મોટી ચમચી ઘીનું મોણ, ચપટી મીઠું, તળવા માટે તેલ.
બનાવવાની રીત : એક મોટા બાઉલમાં ૧ કપ કાજુ નો પાઉડર, ૧ કપ મેંદો, ૨ મોટી ચમચી ઘીનું મોણ, ચપટી મીઠું ભેળવીને પૂરી જેવો લોટ બાંધી લો. લોટને થોડો સમય રાખી મૂકો. તેમાંથી સોનેરી રંગના શક્કરપારા
બનાવી લો. શકકરપારા તળીને બહાર કાઢો તેની સાથે તેની ઉપર દળેલી ખાંડ છાંટો. શક્કરપારા હવાબંધ ડબ્બામાં ભરી લો.
------------------------------
ખજૂર -અંજીર ઘૂઘરા
સામગ્રી : સવા કપ મેંદો, દોઢ ચમચી ઘી, ચપટી મીઠું, ૧ કપ ઝીણા સમારેલા અંજીર, ૧ કપ ઝીણાં સમારેલા ખજૂર, ૫ ચમચી દળેલી ખાંડ, ૨ ચમચી ઝીણા સમારેલા કાજુ-બદામ, ૧ નાની ચમચી તજનો પાઉડર, ૧ નાની ચમચી એલચીનો પાઉડર, તળવા માટે તેલ.
પડ બનાવવા માટે : એક બાઉલમાં મેંદો લેવો. તેમાં ચપટી મીઠું, દોઢ ચમચી ઘી ભેળવી જરૂર મુજબ પાણી લઈને પૂરી જેવો લોટ બાંધીને મલમલનું કપડું ઢાંકીને રાખો.
પૂરણ માટે : અંજીર અને ખજૂરને ઝીણા સમારીને અલગ રાખવા. એક નૉનસ્ટીક કડાઈમાં ધીમી આંચ ઉપર ખજૂરને સતત હલાવતા રહેવું. તેમાં ૨-૩ મિનિટ બાદ અંજીર ભેળવો. ૧-૨ મિનિટ હલાવીને બરાબર માવો બનાવી લો. ઠંડું પડે એટલે તેમાં ઝીણા સમારેલાં કાજુ-બદામ, એલચી પાઉડર, તજનો પાઉડર, ખાંડ ભેળવીને બરાબર હલાવી લો. મેંદાના લોટમાંથી નાની પૂરી બનાવી લો. પૂરીને ઘૂઘરા બનાવવાના મોલ્ડમાં ગોઠવો. અંજીર-ખજૂરવાળું મિશ્રણ ભરી બરાબર બંધ કરી લો. ગરમ તેલમાં સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લેવા.
----------------------------
કરાચી હલવા
સામગ્રી : ૧ કપ કોર્નફ્લોર, ૨ કપ ખાંડ, અડધો કપ ઘી, ૧ નાની વાટકી કાજુ-બદામ પિસ્તા ઝીણાં સમારેલા, ચપટી ટાર્ટરિક એસીડ, ૨ ટીપા કેસરી ખાવાનો રંગ અથવા કેસરનું પાણી.
બનાવવાની રીત : કૉર્નફ્લૉરમાં ૩/૪ કપ પાણી ભેળવીને મિશ્રણ તૈયાર કરો. મિશ્રણમાં ગાંઠા ન પડે તેનું ધ્યાન રાખવું. બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં સવા કપ પાણી ભેળવો. બીજી કડાઈમાં ખાંડમાં પોણો કપ પાણી ભેળવીને ઉકળવા દો. ખાંડ બરાબર ઓગળી જાય ત્યાં સુધી પકાવો. કોર્નફ્લૉરનું તૈયાર કરેલ મિશ્રણ ભેળવો. ધીમી આંચ ઉપર સતત ૧૦-૧૨ મિનિટ પકાવો. મિશ્રણ ઘટ્ટ થવા આવે એટલે તેમાં ૧/૪ કપ ઘી ભેળવો. ટાર્ટરિક એસીડ ભેળવીને સતત હલાવતા રહો. હલવો તૈયાર થયો હોય તેવું લાગે એટલે તેમાં વધેલું ઘી ભેળવો. કેસરી ખાવાનો રંગ બે ટીંપા અથવા કેસરનું પાણી ભેળવો. એલચી પાઉડર, કાજુ અને ઈલાયચીનો પાઉડર ભેળવી પાંચ મિનિટ સતત હલાવતા રહો. એક થાળીમાં ઘી લગાવી તેમાં મિશ્રણ પાથરી પિસ્તાથી સજાવો. ૩-૪ કલાક સુધી ઠંડું થવા દો. નાના ટુકડાં કાપીને સર્વ કરો.