દિવાળી પૂર્વે શુક્રવારે પુષ્ય નક્ષત્ર હોવાથી વહેલી સવારે મર્હુતમાં સોના,ચાંદીની લગડીઓ તથા ચોપડાઓની ધૂમ ખરીદી થઈ હતી. વહેલી સવારનું મુહુર્ત હોવાથી સોના-ચાંદીની દુકાનો ખુલ્લી ગઈ હતી.ધન પ્રાપ્તિ માટેનો પુષ્ય નક્ષત્ર અનેરો અવસર હોવાથી લોકોએ રોકડમાં સોનાની અને ચાંદીની લગડીઓ ખરીદી કરી હતી. કેટલાકે સોનાના દાગીના ખરીદ્યા હતા. કેટલાંક ગ્રાહકોએ રાશિ રત્નની મુહુર્તમાં ખરીદી કરી હતી.અમદાવાદમાં શહેરમાં સાંજ સુધીમાં આશરે 100 કરોડથી વધુના સોના-ચાંદીનું વેચાણ થયાનો અંદાજ વેપારીઓ વ્યકત કરી રહ્યા છે. જ્યો ગુજરાતમાં આશરે 300 કરોડથી વધુનું વેચાણ થયાનો અંદાજ વેપારીઓ કરી રહ્યા છે. જીએસટીના કાયદા બાદ પહેલીવાર જ્વેલર્સ બજારમાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડયા હતા. ઉલ્લેખનીય છે કે, જીએસટી કાઉન્સિલ દ્વારા તાજેતરમાં રૃ.50,000ની જગ્યાએ ૨ લાખથી વધુની ખરીદી કરનારને પાનકાર્ડ આપવા અને મની લોન્ડરિંગમાંથી જવેલર્સોને બહાર કાઢયાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેને જ્વેલર્સોએ આવકાર્યો હતો.
જ્વેલર્સોએ જણાવ્યુ હતું કે, ઘણા લાંબા સમય બાદ બજારમાં ખરીદી જોવા મળી હતી. પુષ્ય નક્ષત્ર સાથે સોનાચાંદીની ખરીદીમાં કેટલાય સમયથી ખોવાઈ ચૂકેલો ચળકાટ પરત ફરતા વેપારીઓએ એવી આશા વ્યકત કરી હતી કે, ધનતેરસમાં બજારમાં સારી ખરીદી નીકળશે. ધનતેરસના પર્વ અગાઉ સોના-ચાંદી અને ઘરવખરીની વસ્તુ ખરીદવા માટે ઉત્તમ ગણાતુ પુષ્ય નક્ષત્રમાં લોકો ખરીદી કરવા માટે વહેલી સવારથી ઉમટી પડયા હતા. દિવાળી અને તે પછી લગ્નસરાની સીઝન શરૃ થવાની હોવાથી આજે એન્ટીક ઝવેલરી, લાઈટવેટ ઝવેલરી અને ડાયમંડ ઝવેરીની ખરીદી મોટા પ્રમાણમાં થઈ હતી. જવેલર્સ બજારમાં સૌથી વધુ સોના અને ચાંદીના સિક્કાઓનું વેચાણ થયું હતું લોકો સોના-ચાંદીની ખરીદીમાં રોકાણ સુરક્ષિત સાથે શુકન અને પુણ્ય ફળ પ્રાપ્ત માટે માનતા હોય છે. કેટલાકે એડવાન્સ બુકીંગ કરાવીને પુષ્ય નક્ષત્રમાં ડીલવરી સ્વીકારી હતી. આમ એકંદરે અમદાવાદ જવેલર્સ બજારમાં ૧૦૦ કરોડની આસપાસ ખરીદી થઈ હતી.જયારે ગુજરાતમાં આશરે ૩૦૦ કરોડની ખરીદી થયાનો અંદાજ વેપારીઓએ વ્યકત કર્યો હતો.
પુષ્ય નક્ષત્ર સાથે ચોપડા પૂજન માટે આજે મુહૂર્ત હોવાથી ચોપડાની ખરીદી માટે લાઈનો લાગી હતી. ઉપરાંત નવા વાહનોની ખરીદી થઈ હતી. બજારમાં ખરીદી નીકળતા વેપારીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. વેપારીઓના જણાવ્યા મુજબ આવી ખરીદી રહેશે તો દિવાળી સારી જશે.
રેડિમેઈડ માર્કેટમાં ખરીદી નીકળતા વેપારીઓ ખુશ
રેડિમેઈડ બજારમાં ધરાકી નીકળતા વેપારીઓની દિવાળી સુધરવાની આશા જાગી છે.વેપારીઓના જણાવ્યાં મુજબ, કાપડ બજાર, રેડિમેઈડ માર્કેટમાં દિવાળીની ધરાકી નીકળી છે. છેલ્લા બે દિવસથી હોલસેલ અને રીટેઈલ રેડિમેઈડ માર્કેટમાં લોકો ખરીદી કરી રહ્યા છે. એમાંય ખાસ કરીને સીજી રોડ, દિલ્હી ચકલા, પાલડી જેવા પોશ વિસ્તારમાં અને મોલમાં બ્રાન્ડેડ કંપનીના રેડીમેઈડ કપડા લોકો ખરીદી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ દિવાળીની રાત્ર સુધી બજારમાં આવી ખરીદી ચાલુ રહેશે.
નવા વાહનો અને ઈલેક્ટોનિક્સમાં નિકળી ખરીદી
દિવાળીના તહેવાર પૂર્વે નાણાંકીય છૂટ થતા લોકો ટુ વ્હીલર અને ફોરવ્હીલર વાહનોની ખરીદી ચાલુ કરી દેતા ઓટો સેક્ટરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફોર વ્હીલરમાં એસયુવી,સેદાનની ખરીદી વધારે જોવા મળી રહી છે. ઉપરાંત ટુ વ્હીલરના વાહનો પણ લોકો ખરીદી રહ્યા છે. સામાન્ય રીતે લોકો વર્ષના પ્રથમ માસમાં વાહનોની ખરીદી કરતા હોય છે.જયારે વર્ષના અંતમાં ખરીદી કરવાનું ટાળતા હોય છે. આ વખતે વર્ષના અંત વખતે ખરીદી નીકળી છે.