બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં દીપાવલી પર્વને લીધે દર્શનાર્થીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. ધનતેરસના દિને મહાદેવજીને પુષ્પોનો શણગાર કરવામાં આવ્યો હતો તેમ જ બપોરે શેરડીના રસનો અભિષેક કરાયો હતો. સોમનાથ મહાદેવને ધનતેરસ નિમિતે વિશેષ સાંજના શૃંગાર કરવામાં આવેલા પીળા સફેદ, કેશરી તથા ગુલાબની પાંખડીઓ મળી આશરે ૧૦૦ કિલોથી વધારે પુષ્પો મહાદેવના શૃંગારમાં લેવામાં આવ્યા, મંદિર નૃત્યુ મંડપ ખાતે વિશેષ રંગોળી તથા દીપ માલિકા કરવામાં આવ્યા તેમ જ બપોરના શેરડીના રસના અભિષેક કરવામાં આવ્યા હતા. ઊર્જાના પર્વ નિમિત્તે મહાદેવને વિશ્ર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાંજની આરતી સમયે માનવમહેરામણ ઊમટી પડ્યો હતો.