દીપાવલીનું પર્વ સૌરાષ્ટ્રભરમાં ભારે આનંદોલ્લાસથી ઊજવાયું હતું. મહાનગરોમાં મોડી રાત સુધી લોકોએ ફટાકડા ફોડ્યા હતા. આંગણાને સજાવવામાં આવ્યા હતા. બજારોમાં પણ છેલ્લી ઘડીની ઘરાકી જોવા મળી હતી. હવે લાભપાંચમ સુધી મોટા ભાગની બજારો બંધ રહેશે. અને લાભપાંચમના દિને શુભમુહૂર્તે વેપારીઓ ધંધા-રોજગારનો પ્રારંભ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ સર્વત્ર દીપાવલી પર્વનો માહોલ જામ્યો છે અને લોક ઉત્સાહભેર દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. આજે દિવાળીની રાત્રીના આકાશમાં ફટાકડાની રંગોળી સર્જાઈ હતી. ઘરઆંગણે રંગોળી પૂરવામાં આવી છે અને દીપ પ્રગટાવીને પ્રકાશના પર્વને વધાવવામાં આવ્યો છે. શુક્રવારે નૂતન વર્ષ નિમિત્તે લોકો એક બીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવશે અને વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરશે. નૂતન વર્ષ નિમિતે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર સામૂહિક સ્નેહમિલન કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શનિવારે ભાઈબીજ પર્વની ઉજવણી કરવામાં આવશે.