પ્રકાશના પર્વ ગણાતા દીપાવલીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દિવાળીના પખવાડિયા બાદ એટલે કે દેવદિવાળી બાદ લગ્નસરાની સિઝન શરૂ થતી હોય છે, પરંતુ આ વખતે દેવ ઊઠી એકાદશીથી તા. ૨૩મી નવેમ્બર સુધી લગનું એકેય મુહૂર્ત નથી એટલે ડિસેમ્બરના પખવાડિયામાં ચૂંટણી ટાણે જ ધૂમ લગ્નો ઊજવાશે. હિન્દુ સમુદાયમાં સૌથી મોટા પર્વ એવા દિવાળીના દસ્તક વાગી રહ્યા છે. આગામી અઠવાડિયે દીપોત્સવી પર્વને લઈને દેશભરમાં રોશનીનો ઝગમગાટ જોવા મળશે. બીજીબાજુએ હાલમાં ચાલી રહેલા હિન્દુ ચાતુર્માસ બાદ લગ્નસરાની નવી સિઝનનો પણ આરંભ થશે. જોકે, ચાલુ વર્ષે લગ્નસરામાં મુહૂર્તનો દુકાળ હોઈ વર અને ક્ધયા પક્ષે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ચાલુ વર્ષે નક્ષત્ર, તિથિ, ગ્રહોના સંયોગને પગલે નવ માસની સિઝનમાં માત્ર ૪૫ જ મુહૂર્ત છે. ૩૧ ઑક્ટોબરે દેવ ઊઠી એકાદશી હોવા છતાં ૨૩ નવમ્બર સુધી લગનું એકેય મુહૂર્ત નથી. આ સિવાય ગુરુ અને શુક્ર અસ્ત હોવાને કારણે ડિસેમ્બર, જાન્યુઆરીમાં માત્ર ૫ જ મુહૂર્ત છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સારા લગ્ન મુહૂર્ત માટે અમુક નક્ષત્રો (૧૫ નક્ષત્રો), તિથિ, વાર, ઘટી-પલ, લગ્ન નવમાંશ, યોગનો સંયોગ થાય અને ગુરુ, શુક્ર ઉદિત હોવા, વ્ાૃદ્ધિ કે ક્ષય તિથિ ના હોય, છ માસ દરમિયાન જે નક્ષત્રોમાં ગ્રહણ થયેલ હોય, શનિ, રાહુ, કેતુ મંગળ જેવા ક્રૂર ગ્રહો જે નક્ષત્રોમાં હોય તે પણ લેવામાં આવતા નથી. આવા વિચિત્ર સંયોગને કારણે જ ચાલુ વર્ષે લગ્નસારની સિઝનમાં મુહૂર્તનો દુકાળ જોવા મળશે. નવેમ્બરમાં ૩, ડિસેમ્બરમાં ૫ સહિત ૯ માસમાં માત્ર ૪૫ જ લગ્નમુહૂર્ત છે. હિન્દુ ચાતુર્માસની પૂર્ણાહૂતિ સાથે જ ૩૧ ઑક્ટોબરે દેવ ઊઠી એકાદશીની ઉજવણી કરાશે. ૩૧મીએ દેવો શયનકાલનો ત્યાગ કરી ઊઠી જાય છે. પછી બીજા દિવસે તુલસી વિવાહ થાય છે અને ત્યાર બાદ લગ્નોના મુહૂર્ત લેવાઈ છે. જોકે, ચાલુ વર્ષે દેવ ઊઠી એકાદશીનીથી આગામી ૨૩ જુલાઈ, ૨૦૧૮ના રોજ દેવશયની એકાદશી વચ્ચે માત્ર ૪૫ જ લગ્નમુહૂર્ત છે.
૩૧ ઑક્ટોબરથી ૧૦ નવેમ્બર સુધીમાં ગુરુ અસ્ત છે એટલે લગ્ન મુહૂર્ત લેવાતા નથી. નક્ષત્ર, તિથિ, સંયોગને કારણે નવેમ્બરમાં ૨૩મીએ પ્રથમ મુહૂર્ત છે. ત્યાર બાદ ૧૬ ડિસેમ્બરથી ૧ ફેબ્રુઆરી સુધી શુક્ર અસ્ત હોવાથી એકેય લગ્નમુહૂર્ત નથી. ધનાર્ક, મીનાર્ક હોય કે ફાગણ સુદ આઠમથી હોળી સુધી હોવાથી લગ્ન મુહૂર્ત લેવાતા નથી. આ બધા કારણોસર ૪૫ મુહૂર્ત જ સારા બને છે. તેમાં પણ દામ્પત્ય જીવનમાં પગલાં પાડનાર છોકરા-છોકરીની કુંડળીઓ પણ જોવામાં આવે છે. જેમાં સૂર્ય, ચંદ્ર, ગુરુ, શુક્ર, મંગળ, છઠ્ઠે, આઠમે, બારમે આવતા હોય તો સારું મુહૂર્ત હોવા છતાં લગ્ન લેવાતા નથી. ૯ માસમાં એપ્રિલમાં સૌથી વધુ ૮ મુહૂર્ત છે, જ્યારે જાન્યુઆરીમાં એકેય મુહૂર્ત નથી.