એક્સિસ માય ઇન્ડિયા-ઇન્ડિયા ટુડેએ ૨૫મી સપ્ટેમ્બર અને ૧૫મી ઑક્ટોબર વચ્ચે કરેલા ઓપિનિયન પૉલમાં ભારતીય જનતા પક્ષના નેતા વિજય રૂપાણી ૩૪ ટકા મત સાથે મુખ્ય પ્રધાનપદ માટે સૌથી વધુ લોકપ્રિય ઉમેદવાર હોવાનું જાણવા મળ્યું હતું. આ પૉલ પ્રમાણે ૧૮૨ બેઠકમાંથી ભાજપને ૧૧૦-૧૨૫ બેઠક મળવાની શક્યતા છે જ્યારે કૉંગ્રેસને ૬૧-૭૧ વિધાનસભા બેઠક મળવાની સંભાવના છે.
૧૯ ટકા મત સાથે કૉંગ્રેસના શક્તિસિંહ ગોહીલ બીજા સ્થાને અને ૧૧ ટકા મત સાથે ભરત સોલંકી ત્રીજા સ્થાને રહ્યા હતા.
આ પોલમાં ૧૮૨ વિધાનસભા બેઠકના કુલ ૧૮૨૪૩ લોકોએ ભાગ લીધો હતો.
ભાજપના પ્રમુખ અમિત શાહને ૧૦ ટકા મત મળ્યા હતા અને તેઓ ચોથા સ્થાને રહ્યા હતા.
પાટીદાર નેતા હાર્દિક પટેલને માત્ર ૬ ટકા, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને ૫ ટકા અને ભાજપના નેતા નીતિન પટેલને ૪ ટકા મત મળ્યા હતા.
અન્ય એક સવાલના જવાબમાં ૬૧ ટકા લોકોએ નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા એ ગુજરાત માટે સારી વાત બની હોવાનું કબૂલ્યું હતું. ૩૧ ટકા લોકોએ તેઓ વડા પ્રધાન બન્યા એ રાજ્ય માટે સારું ન થયું હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન, ૫૮ ટકા લોકો અમદાવાદથી મુંબઇ વચ્ચે શરૂ થનાર બુલેટ ટ્રેન યોજના બદલ ખુશ થયા હતા.
પાછલા ૨૨ વર્ષથી ભાજપ ગુજરાતમાં ચૂંટણી જીતતો આવ્યો છે. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે સતત ત્રણ વખત ચૂંટણી જીતી હતી. ચૂંટણી અગાઉ કૉંગ્રેસ અને ભાજપ બંને પક્ષ પાટીદાર સમાજને રીજવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પાટીદાર નેતા નરેન્દ્ર પટેલે ભાજપ પર ભાજપમાં જોડાવા બદલ રૂ. ૧ કરોડની ઓફર કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. પાટીદાર નેતા હાર્દિક કૉંગ્રેસને ટેકો આપશે એવી હવા વહેતી થઇ છે.
ચૂંટણી પંચે હજુ સુધી ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર નથી કરી, પણ એ બુધવારે જાહેર થવાની શક્યતા ચર્ચાઇ રહી છે.