રાજ્યમાં વિધાન-સભાની ચૂંટણીની સંભવત્: આવતીકાલે કે એક બે દિવસમાં જ જાહેરાત થવાની પૂરતી શક્યતા છે, ત્યારે રાજ્યની ભાજ સરકારે છેલ્લા એક મહિનાથી સરકારી કર્મચારીઓ અને ખેડૂતો તથા ઓબીસી અને પાટીદાર સમાજ માટે સહાયો અને લાભોનો પટારો ખોલી દીધો છે. અગાઉ નરેન્દ્ર મોદીના નેત્ાૃત્વવાળી ૨૦૧૪ સુધીની સરકારે ચૂંટણી ટાણે આવી એક પણ લોભામણી જાહેરાતો કરવાનું ટાળ્યું હતું, પરંતુ આ વખતે ચારે બાજુથી ઘેરાયેલી રૂપાણી સરકારે એક પછી એક એમ લગાતાર બે ડઝનથી પણ વધારે ચૂંટણીલક્ષી જાહેરાતો કરવી પડી છે. મંગળવારે સરકારે આશાવર્કર અને ખેડૂતો તથા ઓબીસી એસટી અને કરાર આધારતિ કર્મચારીઓ માટે લગભગ ૧૨ જેટલી લાભદાયી જાહેરાતો કરી હતી. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જાહેરાત કરતાં કહ્યું હતું કે, આશાવર્કર બહેનોના વળતરમાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવશે. આ યોજનાથી ૪૦ હજાર આશાવર્કર બહેનોને ફાયદો થશે. સરકારે આંગણવાડીની બહેનોના પગારમાં પણ વધારો કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આશાવર્કર બહેનો છેલ્લા કેટલાય સમયથી પોતાના પગાર વધારા માટે આંદોલન કરી રહી હતી. જો કે આ નિર્ણયથી સરકારને ૫૮ કરોડનો બોજો પડશે. આ ઉપરાંત સરકારે શિક્ષકો માટે પણ મોટી જાહેરાત કરી હતી, કે ૧૦ વર્ષથી વધુ ફરજ બજાવી હોય તેવા શિક્ષકોને કાયમી કરાશે. ટીઇટી અને ટીએટીની પરીક્ષા પાસ કરી ચૂકેલા શિક્ષકોને કાઢી મૂકાશે નહીં. જ્યારે સરકારે ખેડૂતો માટે પણ મહત્ત્વની જાહેરાત કરી છે. સરકારે ટપક સિંચાઈ પદ્ધતિ અમલમાં મૂકી હતી અને હવે આ પદ્ધતિ એટલે કે ડ્રીપ ઈરિગેશનનો ખેડૂતો વધુ ઉપયોગ કરે તેના માટે ડ્રીપ ઈરીગેશન પર ખેડૂતો માટે જીએસટી ૧૮ ટકા રાખવામાં આવશે નહીં. ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિનો વધુમાં વધુ ઉપયોગ કરે તેના માટે સરકાર ટેક્સ ભરશે. હવે ગુજરાતની સંસ્થા જીજીઆરસી ભરશે. જો કે તેના કારણે સરકારને તિજોરી પર ૭૮ કરોડનો બોજો પડશે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની વ્યક્તિલક્ષી કલ્યાણકારી યોજનાઓના લાભો મેળવવા માટે ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂા.૪૭,૦૦૦ નિયત થયેલી છે જેમાં, સુધારો કરી રૂા.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારો માટે વાર્ષિક આવક મર્યાદા રૂા.૬૮,૦૦૦ નિયત થયેલી છે. જેમાં સુધારો કરી રૂા.૧,૫૦,૦૦૦ કરવાનો નિર્ણય કરાયો છે.