સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં જલારામ બાપાની ૨૧૮મી જન્મજયંતીની ઉત્સાહપૂર્વક ઊજવણી કરવામાં આવી હતી. બાપાના દર્શન માટે માનવ-મહેરામણ ઊમટી પડ્યો હતો. રાજકોટ, મોરબી, જૂનાગઢ, ભાવનગર, જામનગર સહિત અનેક શહેરોમાં શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.
પૂ. જલારામબાપાની આજે ૨૧૮મી જન્મજયંતીની વિરપુર (જલારામ)માં ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી. આજે સવારે પૂ.જલારામબાપા પરિવાર દ્વારા પૂ.જલારામબાપાના મંંદિરે પૂજન-અર્ચન વિશેષ આરતી કરાઈ હતી. ધૂન, ભજન, કિર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પૂ.જલારામબાપાના મંદિરે વહેલી સવારથી ભાવિકોની લાંબી લાઇનો લાગી હતી અને દેશ-વિદેશથી ભાવિકો ઊમટી પડ્યા હતા. વિરપુરમાં જલારામબાપાના જન્મદિનની ઉજવણી નિમિત્તે ગ્રામજનોએ પોતાના ઘરના આંગણામાં રંગોળી કરી હતી. વેપારી તથા ગ્રામજનોએ આસોપાલવના તોરણો દુકાનો અને ઘરોમાં બાધ્યા હતાં. ઘરે ઘરે આકર્ષક રોશની કરવામાં આવી હતી. તો ગામોના માર્ગો ઉપર રંગબેરંગી ધજા-પતાકા, લાઈટિંગ કરવામાં આવી હતી. જલજલીયાણના નાદથી દેશ-વિદેશના યાત્રિકોથી ગૂંજી ઊઠયું હતું. મોટી સંખ્યામાં પદયાત્રીઓ પણ દર્શનાર્થે ઊમટી પડ્યા હતા. યાત્રિકો-ભાવિકો માટે ગામમાં ચા-પાણી-નાસ્તાના વિશેષ સ્ટોલો પણ ઊભા કરાયા હતાં. પૂ. જલારામ બાપાના મંદિરે આકર્ષક રોશની ફૂલહાર સહિતના શણગાર કરાયા હતા. મંદિરમાં પૂજન, આરતી અને સમૂહપ્રસાદ (જલારામ અતિથિગૃહ, રેલવે સ્ટેશન ખાતે)ના ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉત્સાહભેર આસ્થાભેર જોડાયા હતાં. વીરપુર (જલારામ) પૂ. શ્રી જલારામ બાપાની ર૧૮મી જંયતીની શાનદાર તૈયારી થઈ હતી. વીરપુરની બજારો લાઈટિંગ તથા તોરણથી સુશોભિત હોલ છે. શેરી ગલીઓમાં જલારામબાપાની ઝૂંપડીઓ તથા ચા નાસ્તાના સ્ટોલ તથા પાણી શરબતના સ્ટોલ ઊભા કરી દેવામાં આવ્યા. વીરપુરના ઘર-ઘરનું આંગણે સુશોભિત રંગોળી તથા આસોપાલવના તોરણ બંધાયા હતા. દેશ-વિદેશથી પગપાળા સંઘ વાજતા ગાજતા વાજંત્રો સાથે વીરપુરમાં બાપાના દર્શનમાં આવ્યા હતા. જ્યારે અમુક સંઘો સતત આઠ-આઠ વર્ષથી વાપી, સુરત વલસાડથી સંઘ દ્વારા ચાલીને બાપાની જન્મજયંતી ઉજવવા માટે મોટી સંખ્યામાં વીરપુર આવે છે. વહેલી સવારથી જ ભકતોજનનો કતાર ૧ કિલોમીટર સુધી લાગવા માંડી હતી. વહેલી સવારે બાપાના પરિવાર દ્વારા જલારામ મંદિરે અને બાપાની સમાધીએ આરતી કરાઈ હતી. સવારે ૬ વાગ્યાથી રાત્રે ૯.૩૦ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહ્યું હતું. મંદિરમાં ભક્તજનો માટે બૂટ-ચંપલ તથા મોબાઈલ ફોનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. વીરપુર મંદિર વિશ્ર્વનું એક મંદિર એવું છે જેમાં ભેટ-સોગાદ સ્વીકારતી નથી છતાં અન્નક્ષેત્રમાં લાખોની સંખ્યામાં પ્રસાદીનો લાભ લે છે.