ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષા લેવાઈ રહી છે. જેમાં પરીક્ષાના પ્રથમ દિવસે જ પ્રશ્ર્નપત્ર કાઢવામાં બોર્ડે ગંભીર ભૂલ કરી હોવાની વિગતો સામે આવી છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં પ્રથમ દિવસે લેવાયેલી પરીક્ષામાં દ્વિતિય ભાષા અંગ્રેજી વિષયનું પ્રશ્ર્નપત્ર ૯૯ ગુણનું પૂછવામાં આવ્યું હોવાથી શિક્ષણ જતમાં ચકચાર મચવા પામી છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, પ્રશ્ર્નપત્ર ૧૦૦ માર્કસના બદલે ૯૯ માર્કનું પૂછાયું હોવા છતાં બોર્ડ આખી ઘટનાથી અજાણ હોય તેવો દેખાવ કરી રહ્યું છે. આ અંગે પૂછતા બોર્ડના અધિકારીઓ જણાવી રહ્યા છે કે, અમને આ બાબતે કોઈ ફરિયાદ મળી નથી અને જો ઓછા ગુણનું પ્રશ્ર્નપત્ર પૂછાયું હશે તો વિદ્યાર્થીઓને પરિણામમાં ૧ ગુણ આપી દેવામાં આવશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં મહત્ત્વના વિષયો હોવાથી છેલ્લા ૧૦ વર્ષમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જૂના અભ્યાસક્રમ પ્રમાણે પાસ થઈ શકે તેના માટે ખાસ પરીક્ષા યોજવામાં આવી છે. જે ૨૫મીથી શરૂ થઈ છે. ૨૫મીએ પ્રથમ દિવસે બપોરના સેશનમાં અંગ્રેજી અને ગુજરાતી દ્વિતીય ભાષાના પ્રશ્ર્નપત્રો તેમ જ ચિત્રકામની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા સવારના સેશનમાં લેવાઈ હતી. જેમાં સવારના સેશનમાં લેવાયેલ અંગ્રેજીનું પ્રશ્ર્નપત્ર ૧૦૦ ગુણના બદલે ૯૯ ગુણનું પૂછવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. આ પ્રશ્ર્નપત્ર કુલ ૮ પેજમાં પૂછાયું હતું. જેમાં પેજ ૧માં ૧૦ ગુણ, પેજ ૨માં ૪ ગુણ, પેજ ૩માં ૧૬ ગુણ, પેજ ૪માં ૫ ગુણ, પેજ ૬માં ૨૩ ગુણ, પેજ ૭માં ૨૦ ગુણ અને પેજ ૮માં ૧૦ ગુણ મળીને કુલ ૯૯ ગુણ થવા જાય છે.