રાજ્યમાં ૧૯૯૫માં સત્તા સ્થાને પંહોચેલા ભાજપના તત્કાલીન પ્રદેશ મહામંત્રી પદે રહેલા નરેન્દ્ર મોદીએ સળંગ ૨૦૧૨ સુધીની વિધાનસભાની ચૂંટણીઓમાં સક્રિય રીતે પ્રદેશ નેતા તરીકે ભાગ લઇને ચૂંટણીનો જંગ ખેલ્યો હતો, પરંતુ પહેલીવાર નરેન્દ્ર મોદીના ગુજરાતમાં ૨૦૧૭નો જંગ ખેલાઇ રહ્યો છે. ગુજરાતનો કારભાર ચલાવવા ૪.૩૦ કરોડ મતદારોને ૧૮૨ પ્રતિનિધિઓ પસંદ કરવા ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કરી દીધો છે ત્યારે ૨૦૧૭નો આ ચૂંટણી જંગ વીવીપેડ, મોબાઈલ એપ્સ, સીસીટીવી જેવા અનેક પ્રયોગોની વિશેષતાઓ વચ્ચે નરેન્દ્ર મોદી વગરના ગુજરાતમાં પહેલીવાર ૫૧ દિવસનો ચૂંટણી જંગ જામશે. મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યા બાદ મોદી સવા ત્રણ વર્ષથી ગુજરાતમાં નથી. અત્યાર સુધી મોટાભાગની ચૂંટણીમાં કૉંગ્રેસમાંથી સોનિયા ગાંધીએ પ્રમુખ પ્રચારની કમાન સોનિયા ગાંધીએ સંભાળી છે. આથી, આ ચૂંટણી ઉપર વિશ્ર્વભરની નજર ટકી છે! વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદ સંભાળ્યા બાદ ગુજરાતની ભાજપ સરકારમાં ભારે ઉથલપાથલો થઈ છે, મુખ્ય પ્રધાન અને પ્રધાનો બદલવા પડ્યા છે. પાટીદાર આંદોલન પછી વર્ષ ૨૦૧૫માં પાલિકા પંચાયતોને રસ્તે કૉંગ્રેસને જીવતદાન છે. આથી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું ગુજરાત મોડલ દાવ ઉપર લાગ્યુ છે.