શહેરમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુને કારણે તાવ-શરદી, ચિકનગુનિયા સહિતના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે, એટલું જ નહીં છેલ્લા ૧પ દિવસથી શહેરમાં અછબડા જેવા લક્ષણો ધરાવતા રોગનું પ્રમાણ પણ વધ્યું છે અને બાળકો ખાસ કરીને તેનો ભોગ બની રહ્યા છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો આવી સિઝનમાં આ રોગનો ભોગ બને છે. અમદાવાદ શહેરમાં બેવડી ઋતુના કારણે શરદી, ખાંસી અને તાવ સહિત વાઇરલ ફીવરના કેસોથી દવાખાનામાં દર્દીઓ વધી રહ્યા છે. વાઈરસથી થતા અછબડા જેવાં લક્ષણો ધરાવતા રોગને ‘હેન્ડ, ફૂટ, માઉથ ડિસીઝ’ કહેવાય છે. આ રોગ ઇકો વાઈરસથી થતો ચેપી રોગ છે જે શ્ર્વાસોશ્ર્વાસથી ફેલાય છે. જેમાં શરૂઆતમાં તાવ આવે અને પછી જીભ, ગળા અને તાળવાના ભાગે છાલાં પડે છે. હાથે પગે, કોણી, ઘૂંટણ અને થાપાના ભાગે પાણી ભરેલી ફોલ્લી થાય છે. આ રોગ સામાન્ય રીતે ગરમીમાં વધુ જોવા મળે છે. હોળી પછીના દિવસોમાં આ રોગનું પ્રમાણ વધે છે પરંતુ અત્યારે ગરમીની સિઝન હોવાના કારણે શિયાળાની શરૂઆતમાં આ રોગ દેખાઈ રહ્યો છે. છેલ્લા દસ, પંદર દિવસથી હાલમાં હેન્ડ, ફૂટ, માઉથ ડિસીઝના કેસો સિવિલમાં રોજની સંખ્યામાં આવવા શરૂ થયા છે. બાળકો પ્લે ગ્રુપમાં કે નર્સરીમાં જતા હોઈને ત્યાં ચેપ લાગવાની શક્યતા વધુ રહેલી છે. આ ઉપરાંત તાવ અને ચિકન-ગુનિયાના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.