સતત બેસવાને કારણે ઘણા પ્રોબ્લેમ થઇ શકે છે. જેમાં સ્નાયુને લગતી સમસ્યા મુખ્ય છે. તેમાં સ્પોન્ડિલાઇટિસની સમસ્યા સૌથી વધારે જોવા મળે છે જે મુખ્યત્વે કરોડરજ્જુનો પ્રોબ્લેમ છે. ડેસ્ક જોબ કરનારા લોકોને કમરથી નીચેનો ભાગ સખત દુખતો હોય છે. કરોડરજ્જુ પર આવતું વધારાનું પ્રેશર ડિસ્કને અસર કરે અને ડિસ્કને લગતી કોઈ તકલીફ ઊભી થઈ શકે છે. સતત બેસવાને કારણે પીઠ અને કમર પરના સ્નાયુઓ ખૂબ જ નબળા પડી જાય છે, જેને લીધે ઘણી વાર નાનાં-સૂનાં કામ જેમ કે કંઈ વજન ઉપાડવા જાય કે થોડા વધારે નમી જાય તો તેમને તરત જ મસલને ઈજા થઈ જાય અથવા તો સ્નાયુ જકડાઈ જાય તેવું બને છે.
સતત બેઠા રહેવાથી વ્યક્તિનું આયુષ્ય ઓછું થાય છે એવું ઘણાં રિસર્ચ સાબિત કરી ચૂક્યાં છે. ખાસ કરીને બેઠાડુ જીવનને લીધે વ્યક્તિના હાર્ટ પર ખૂબ અસર થાય છે. આવી વ્યક્તિ પર હાર્ટની બીમારીનું રિસ્ક ઘણું વધારે રહે છે. ફક્ત હાર્ટ જ નહીં; મેટાબોલિક ડિસઓર્ડર જેમ કે ઓબેસિટી, બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝનું રિસ્ક પણ ઘણું ઊંચું રહે છે.
સ્નાયૂમાં થતી ઈજા આ રીતે અટકાવો
1. ઓફિસમાં તમારું ટેબલ અને ખુરશી બન્ને તમારી ઊંચાઈને અનુરૂપ છે કે નહીં અને એને લીધે તમારું યોગ્ય પોશ્ચર જળવાઈ રહે છે કે નહીં એ ચકાસો. કોઈ પણ ગડબડ હોય તો એને બદલાવો. આ બાબતે કોઈ પણ પ્રકારની લાપરવાહી ન કરો.
2. ઓફિસમાં જે કામ ઊભા-ઊભા થઈ શકે એમ હોય એ કામ ઊભા-ઊભા જ કરો. રિસર્ચ મુજબ જો બે કલાક ઊભા રહી શકાય તો બેસ્ટ રહેશે.
3. ઓફિસમાં દર એક કલાકે 10 મિનિટ ચાલવું જોઈએ. આ બાબતને નિયમ બનાવવા માટે વિદેશોમાં એવો નિયમ છે કે દર કલાકે એક બેલ વાગે જેમાં આખી ઓફિસે સાથે મળીને ચાલવું કે દોડવું. સાંભળવામાં હાસ્યાસ્પદ લાગતો આ નિયમ ખરેખર સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી છે.
4. ધારો કે 8 કલાક તમારી નોકરીમાં તમારે બેસવું પડતું હોય તો ઓછામાં ઓછી બે વાર 10-10 મિનિટ માટે બોડીના જુદા-જુદા સ્ટ્રેચ કરો.
5. ઓફિસમાં બેસીને કામ કરનારી દરેક વ્યક્તિ માટે દરરોજ 45 મિનિટથી લઈને 1 કલાકની એક્સરસાઇઝ આખા દિવસમાં ગમે ત્યારે કરવી ખૂબ જ જરૂરી છે. એ ન ચૂકો.
6. ડેસ્ક પર કોઈ ખાવાનો સામાન ન રાખો. કામ કરતાં-કરતાં નાસ્તો કરવાની આદતમાં સમજાતું નથી કે વ્યક્તિએ કેટલું ખાધું. એનાથી ઓબેસિટીનું રિસ્ક વધે છે અને ખાવાનો સંતોષ પણ થતો નથી.