સુપ્રસિદ્ધ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનું મધરાતે વિધિવત્ ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે સાધુ સંતો, સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધીમાં છ લાખ શ્રદ્ધાળુઓએ લીલી પરિક્રમા પૂર્ણ કરી છે. ૬.૫૦ લાખ ઉપરાંત યાત્રિકોએ પરિક્રમા પૂરી કરી નાખી છે. હજુ સંખ્યાબંધ લોકો,પરિક્રમાના માર્ગે ફરી રહ્યા છે. જોકે, હવે બહારગામથી પરિક્રમા કરવા આવનારાઓનો પ્રવાહ તદ્દન ઘટી ગયો છે. વનખાતા દ્વારા નળપાણીની ઘોડી ઉપર યાત્રિકોની ગણતરી કરાયું છે. જે મોટા ભાગે અંદાજિત હોય છે. પરિક્રમના ૩૬ કિ. મી.ના રૂટ ઉપર જ્યાં-જ્યાં લોકો રાત્રી રોકાણ કરે છે ત્યાં ત્યાં સેવાભાવીઓ ચા-પાણીના પરબો અને અન્નક્ષેત્રો ચલાવે છે. દરમિયાન આ વખતે, વનખાતાએ આવા ૧૨૫ અન્નશેત્રોને મંજૂરી આપી છે. જેમાં લોકોને શુદ્ધ ઘીની વિવિધ મીઠાઈઓ, સિંગતેલમાં રાંધેલાં સ્વાદિષ્ટ ફરસાણ, શાકભાજી, રોટલી, રોટલા, અથાણાં, સંભારા, દાળભાત, ખીચડી, કઢીનું ભોજન પ્રસાદ રૂપે પીરસાય છે. ગિરનારની આ પરિક્રમનું સ્વરૂપ બદલાયું છે. અગાઉ ભજન અને ભગવદ ભક્તિના હેતુ અને પુણ્યનું ભાથું બાંધવા પરિક્રમા થતી હતી. લોકો જાતે રસોઈ બનાવતા. અન્નક્ષેત્રોમાં જમતા નહીં. રસોઈ અને ધરતી ઉપર સૂવાનો સમાન,માથે કે ખભે ઊંચકીને લાવતા ત્યારે પરિક્રમા નિયત સમયે શરૂ અને પૂરી થતી. હવે મોટા ભાગે તેવું રહ્યું નથી. મોટાભાગના લોકો મોજ મજા કરવા પરિક્રમામાં આવે છે. વહેલી શરૂ કરીને વહેલી પૂરી કરી નાખે છે. જંગલના કુદરતી સૌંદર્યની જાળવણી કરતા નથી. મોબાઈલ, પાન માવા અને ગુટકા સાથે લાવે છે. પરિક્રમાનો મૂળભૂત હેતુ વિસરી દેવાયો છે. મંગળવારની મધરાતે પરિક્રમા વિધિવત્ રીતે શરૂ થઈ તેનું ઉદ્ઘાટન થયું પણ હવે તે લગભગ પૂરી થવા આવી છે.