રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી બી. બી. સ્વૈને જણાવ્યું હતું કે રાજ્યમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે ચૂંટણી તંત્ર કટિબદ્ધ છે. મતદારો વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનાં દિવસે નિર્ભય બની મુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં કુલ ૫૦,૧૨૮ મતદાન મથકો આવેલા છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન કેન્દ્રીય ચૂંટણી તંત્રના ધારાધોરણ પ્રમાણે કુલ મતદાન મથકોની સંખ્યાના ગુણાંકમા ૧૫૦ ટકા બેલેટ યુનિટ (બી. યુ.), ૧૨૫ ટકા ક્ધટ્રોલ યુનિટ (સી. યુ.) અને ૧૪૦ ટકા વોટર્સ વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેઈલ (વીવીપેટ) રાખવાના થાય છે. મતદાન મથકોની સંખ્યા ધ્યાને લેતા ગુજરાત વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ માટે ૭૫,૧૯૬ બેલેટ યુનિટ, ૬૨,૬૬૬ કંટ્રોલ યુનિટ અને ૭૦,૧૮૨ વીવીપેટની આવશ્યકતા રહે છે. જે ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાયા છે. આ ઉપરાંત, કેન્દ્રીય ચૂંટણી તંત્ર દ્વારા ૪,૧૫૦ વધારાના વીવીપેટ પણ રાજ્યને ફાળવાયા છે. રાજ્યમાં ડિસેમ્બરમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેના ભાગરૂપે આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થયો છે. જે અંતર્ગત ચૂંટણી તંત્ર દ્વારા રાજ્યના તમામ ૩૩ જિલ્લામાં ૩૧-૧૦-૨૦૧૭ની સ્થિતિએ જાહેર મિલકત પરથી ૧,૬૩,૧૯૫ અને ખાનગી મિલકત પરથી ૧૬,૭૦૧ એમ કુલ-૧,૭૯,૮૯૬ જેટલા પોસ્ટર્સ, બેનર્સ અને દીવાલ પરના લખાણો હટાવવામાં-દૂર કરવામાં આવ્યા છે. જે પૈકી સૌથી વધુ અમદાવાદ શહેર-જિલ્લામાંથી ૫૯,૧૨૫ પોસ્ટર્સ, બેનર્સ અને દીવાલ પરના લખાણો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દૂર કરાયા છે. જેમાં મુખ્યત્ત્વે અમદાવાદ જિલ્લામાં ૫૯,૧૨૫, છોટાઉદેપુર જિલ્લામાં ૯,૨૫૮, રાજકોટમાં ૯,૦૦૬ અને ભાવનગરમાં ૮,૪૯૬ તથા અન્ય જિલ્લાની જાહેર મિલકત પરથી કુલ મળીને ૧,૬૩,૧૯૫ જેટલા બેનર્સ-પોસ્ટર્સ-દીવાલ પરના લખાણો વગેરે દૂર કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં ખાનગી મિલકતો પર અમદાવાદ જિલ્લામાં ૧૧૫૯, બનાસકાંઠામાં ૧૦૧૨, મહેસાણામાં ૧૪૫૮, ભાવનગરમાં ૧૨૦૭, નર્મદા જિલ્લામાં ૧૪૪૪ તથા અન્ય જિલ્લામાંથી મળી કુલ ૧૬૭૦૧ જેટલા બેનર્સ-પોસ્ટર્સ-દીવાલ પરના લખાણો વગેરે દૂર કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં વાયોલેશન ઑફ લાઉડ સ્પીકર એક્ટ અંતર્ગત એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા દરમ્ાિયાન કાયદો વ્યવસ્થા જળવાય તે માટે જે કવાયત હાથ ધરવામાં આવી છે, તે મુજબ રાજ્યમાં હાલમાં કુલ ૫૬,૪૦૬ પરવાનેદાર હથિયાર ધારકો છે. જે પૈકી પ્રથમ સપ્તાહમાં જિલ્લા કલેકટરોઓના અધ્યક્ષપદે રચાયેલી સ્થાનિક રિવ્યુ કમિટી દ્વારા સમીક્ષા બાદ કુલ -૨૪૨૬૮ પરવાના હથિયારો જમા કરાવવામાં આવ્યા છે, જ્યારે ૨૨૭ પરવાના રદ કરવામાં આવ્યા છે.