પાટનગર ગાંધીનગરના સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિરના રજતજયંતી સમારોહમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પૂ. પ્રમુખસ્વામી મહારાજે હરિભક્તો અને સંતોના જીવનમાં ફેલાવવાનું નહીં પણ ઊંચાઈ લાવવાનું કાર્ય કર્યું હતું. તેમનો સંદેશ હતો કે જીવન એવું જીવો, કોઈની આડે ન આવો અને સૌના સુખનો વિચાર કરો, પ્રમુખસ્વામી સમયના બંધનમાં ક્યારેય બંધાયા નહોતા. મોરલ મેનેજમેન્ટ અને મોરલ ટેકનોલોજીનો સમન્વય સાધીને નૂતન મંદિરોમાં ટેકનોલોજીનો અદ્ભુત સમન્વય કરી ૧૨૦૦ મંદિરોનું નિર્માણ કર્યું હતું. નરેન્દ્ર મોદીએ ઉદ્બોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામીએ ભક્તિભાવની અનોખી પરંપરા ઊભી કરી હતી. સામાન્ય પરંપરાથી બંધાયેલા ન હતા. લંડનમાં મંદિર બંધાવવું હોય તો મંદિર પાસે રમતગમતનું મેદાન હોવું જોઈએ. આમ તેમનામાં આગવી સમજ હતી. વડા પ્રધાને ઉમેર્યું હતું કે હું મુખ્યપ્રધાન હતો ત્યારે એક વાર પ્રમુખસ્વામીએ મારા ભાષણોની ટેપ મંગાવી મેં મોકલી આપી ત્યાર બાદ તેમણે ભાષણ સાંભળીને કહ્યું તમારે આ ના બોલાય, આજે પ્રમુખસ્વામીની બધી શિખામણો મને કામ લાગી છે. અક્ષરધામ સંસ્થા સેવાભાવી સંસ્થા છે. નવનિર્માણ આંદોલન, ભૂકંપ કે કોઈ આપત્તિમાં સેવાકાર્યમાં બીએપીએસ સંસ્થા મોખરે રહી છે. દેશ જ્યારે અંધકાર યુગમાં હતો ૨૦૪ વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન, ચૈતન્ય મહારાજ, સંતરામ મહારાજ, વિવેકાનંદજી તમામે ભક્તિ આંદોલન ચલાવીને નોખી તાકાત આપી હતી. સ્વામિનારાયણ ભગવાને ગામડે ગામડે જઈને ચેતના પ્રગટાવી હતી. માનવ કલ્યાણમાં પાછીપાની નથી કરી, નર્મદા યોજનામાં પણ પ્રમુખસ્વામી ઇન્વોલ્વ હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના અક્ષરધામ મંદિર પહોંચી ગયા છે. જ્યાં તેમણે મયૂર દ્વારનું ઉદ્ઘાટન કર્યું છે અને નીલકંઠવર્ણી મૂર્તિનો જલાભિષેક કર્યો છે. અમદાવાદ ઍરપોર્ટથી તેઓ રાજભવન ગયા હતા , જ્યાં ટૂંકું રોકાણ કર્યા બાદ તેઓ અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા. બાપ્સના વડા મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજ તો બધાને આશીર્વાદ આપતા અને સરખી નજરે જોતા પરંતુ મોદી સાહેબે તેમની આશીર્વાદ ઝીલ્યા અને કમળ ખીલે એમ ખીલી ઊઠ્યા છે. પ્રમુખ સ્વામીજીની સલાહનું પાલન કરવાની આવડત મોદી સાહેબમાં છે.