ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ-કૉંગ્રેસે ઉમેદવારોની પસંદગીની કવાયત હાથ ધરી છે. ભાજપની ચૂંટણી કમિટીની બેઠકમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હાજર રહીને ૧૮૨ બેઠકોના ઉમેદવારોના નામોની ચર્ચા કરીને પેનલો તૈયાર કરી દીધી છે. ભાજપ માટે આ વખતે સૌથી મોટી મુશ્કેલી એ છે કે ટિકિટ લેવા માટે દાવેદારોની સંખ્યા ખૂબ જ મોટી છે અને ઘણા બધા ટિકિટવાંચ્છુ ઉમેદવારો ટિકિટ ન મળે તો અપક્ષ તરીકે ઊભા રહીને બળવો કરવાના મૂડમાં છે. એટલે કૉંગ્રેસમાં પહેલા જે સ્થિતિ સર્જાતી હતી તે હવે શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં ઊભી થાય તો નવાઈ નહીં કહેવાય. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ ટિકિટ નહીં મળે તો વિરોધી રાગ અપનાવ્યા બાદ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે તેમ જ મંગળવારે કૉંગ્રેસમાં જાડાઇ ગયા હતા જ્યારે વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ ટિકિટ નહીં મળે તો બળવાનો સૂર અપનાવ્યો છે. વાઘોડિયામાં ભાજપના મળેલા સંમેલનમાં મધુ શ્રીવાસ્તવને આમંત્રણ પણ આપવામાં આવ્યું નહોતું. તેમણે ટિકિટ ન મળે તો અપક્ષ તરીકે ઊભા રહીને ભાજપને હરાવવાનો પડકાર ફેંક્યો છે. ભાજપના ઘણા બધા સીટીંગ ધારાસભ્યો ટિકિટ નહીં મળે તો ભાજપને હરાવવાની વાતો કરી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યસભાની ચૂંટણી ટાણે જ ભાજપે કૉંગ્રેસના ૧૪ ધારાસભ્યોને ટિકિટ આપવાનું વચન આપીને પ્રવેશ આપ્યો હતો. એટલે આ ધારાસભ્યોના મત વિસ્તારોમાં જ ભાજપના આગેવાનોએ પક્ષ સામે બાંયો ચડાવી છે. કૉંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને ટિકિટ અપાશે તો ભાજપ જ ભાજપને હરાવશે એવો ઘાટ સર્જાશે. ભાજપના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ માની રહ્યા છે કે ભાજપમાં ભરતીમેળો શરૂ કર્યા બાદ પક્ષમાં કૉંગ્રેસનું કલ્ચર હાવી થઈ ગયું છે જે વિધાનસભાની ચૂંટણીમાં નુકસાન કરશે તે નક્કી છે.