ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ આતંકવાદી હુમલાના ઈનપૂટ મળતા કચ્છ સરહદે એલર્ટ આપવામાં આવ્યું છે. બીએસએફ અને કોસ્ટગાર્ડનો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સરકાર સજ્જ છે. દરમિયાન આતંકી હુમલાથી સાવધ રહેવાના ઈનપુટને પગલે સરહદી વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ એકશન મોડમાં આવી ગઈ છે. કચ્છ સરહદે બીએસએફ અને કોસ્ટગાર્ડના જવાનો ક્રીક અને દરિયાઈ વિસ્તારમાં ચાંપતી નજર રાખી રહ્યા છે. કચ્છની રણ સરહદે પણ બીએસએફના જવાનો ચુસ્ત પેટ્રોલિંગ સાથે તહેનાત છે. તો પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વો વિરૂદ્ધ કડક પગલાં ભરાઈ રહ્યા છે. સાથે સાથે અસામાજિક પ્રવૃત્તિ અને અસામાજિક તત્ત્વોની હિલચાલ વિરૂદ્ધ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ થઈ રહ્યુ છે. એકંદરે સરહદેથી કોઈપણ શંકાસ્પદ હિલચાલ ન થાય તે હેતુથી તમામ સુરક્ષા દળો સાથે મળીને ચાંપતી નજર રાખી રહ્યા છે.