જીએસટી મારફતે થતી આવક અગાઉના કરમાળખા જેટલી થઈ ગયા બાદ જીએસટીના સર્વાધિક ૨૮ ટકાના સ્લેબમાં સમાવિષ્ટ વસ્તુઓની યાદીમાંથી અમુક વસ્તુઓ ઘટાડવાનાં નાણા પ્રધાન અરુણ જેટલીએ મંગળવારે સંકેત આપ્યા હતા. ગુજરાતમાં ચૂંટણી પહેલાં નિર્ણય લેવાઇ જવાની શક્યતા છે. જીએસટીના અમલ બાદ કરવેરાની અગાઉની આવકમાં ઘટાડો ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને જીએસટીના ૫,૧૨,૧૮ અને ૨૮ ટકાના જુદા જુદા સ્લેબમાં અંદાજે ૧૨૦૦ જેટલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
જેટલીએ કહ્યું હતું કે અમુક વસ્તુઓ ૨૮ ટકાના સ્લેબમાં હોવી જ નહોતી જોઈતી અને જીએસટી કાઉન્સિલે છેલ્લી ત્રણ-ચાર બેઠક દરમિયાન ૧૦૦ કરતા પણ વધુ વસ્તુઓ પરનોજીએસટી ઘટાડયો હતો અને અમુક વસ્તુઓને ૨૮ ટકાના સ્લેબમાંથી ૧૮ ટકાના અને ૧૮ ટકાના સ્લેબમાંથી ૧૨ ટકાના સ્લેબમાં લાવવામાં આવી હતી.
અમે ધીરે ધીરે જીએસટીના દરમાં ઘટાડો કરી રહ્યા છીએ. જીએસટીને કારણે થતી આવક અગાઉના કરવેરા મારફતે થતી આવક જેટલી થઈ ગયા બાદ ચોક્કસ વસ્તુઓ પરનો જીએસટી ઘટાડવામાં આવશે અને એ જ ધોરણે જીએસટી કાઉન્સિલ કામ કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું.
૧૦ નવેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠક યોજાવાની છે અને તેમાં હાથબનાવટનાં ફર્નિચર, પ્લાસ્ટિકનાં ઉત્પાદનો તેમ જ શેમ્પૂ જેવી દૈનિક ઉપયોગની સંખ્યાબંધ વસ્તુઓ પરનો જીએસટી ઘટાડવામાં આવે તેવી શક્યતા છે, એમ તેમણે કહ્યું હતું.