નાણાં પ્રધાન અરુણ જેટલીએ એક વર્ષ અગાઉ ભારતમાં નૉટબંધી અંગે ભરાયેલું પગલું દેશના અર્થતંત્રના ઈતિહાસમાં ચીલો ચાતરનારું હતું. એના કારણે આવતી પેઢીને ન્યાયી અને પ્રામાણિક સિસ્ટમ પ્રાપ્ત થઈ છે.
નૉટબંધીના અમલના નિર્ણયને એક વર્ષ પૂરું થયાની પૂર્વસંધ્યાએ જેટલીએ જણાવ્યું હતું કે આ કદમ એવું હતું જેનાથી અર્થતંત્રમાં ફરતા રોકડ નાણાંમાં ઘટાડો થવાનો હેતુ સિદ્ધ થયો છે, એના કારણે કરવેરાની જાળમાં વધુ લોકો આવી ગયા છે તથા બેનામી નાણાંની હેરફેરનો અંત આવ્યો છે. એટલું જ નહીં કાળાં નાણાંની લેણદેણને ફટકો પડ્યો છે.
નૉટબંધીના એક વર્ષ બાદ ૧,૮૪૩ શબ્દના બ્લોગમાં તેમણે જણાવ્યું હતું કે નવેમ્બર આઠ, ૨૦૧૬નો દિવસ આ સરકારે કાળાં નાણાંના ખતરનાક રોગથી દેશને સાજો કરવાના કરેલા નિર્ધાર બદલ મહત્ત્વનો બની રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવેમ્બર આઠ, ૨૦૧૬ના દિવસને દેશના અર્થતંત્રના ઈતિહાસમાં ચીલો ચાતરનારા દિવસ તરીકે હંમેશાં યાદ રહેશે. દેશ વધુ સ્વચ્છ, પારદર્શી અને પ્રામાણિક નાણાકીય સિસ્ટમ અમલમાં મૂકવા માટે આગળ વધ્યો હતો, એમ કહેવું યોગ્ય લેખાશે.
કેટલાક લોકોને આ પગલાંના લાભો હજુ સુધી જોવા મળ્યા ન હોય એ બની શકે છે, એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે આવતી પેઢીને નવેમ્બર ૨૦૧૬ પછીના આર્થિક વિકાસ ચોક્કસ જોવા મળશે અને એ માટે તેઓ ગર્વ અનુભવશે, કારણ કે એના થકી જીવન જીવવા માટે તેમને ન્યાયી અને પ્રામાણિક સિસ્ટમ પ્રાપ્ત થઈ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષના નવેમ્બરની આઠમીએ રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની જૂની ચલણી નૉટને ચલણમાંથી બંધ કરવાની જાહેરાત કરી હતી, કાળાં નાણાં, ભ્રષ્ટાચાર, ત્રાસવાદ અને નકલી ચલણને નાબૂદ કરવા માટે તેમણે આ કદમ ઉઠાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે નૉટબંધી બાદ ચલણમાં ફરતાં નાણાં ૩.૮૯ લાખ કરોડથી પણ ઓછાં હતાં, જેને લઈને ઓછા ચલણના અર્થતંત્રનો હેતુ સિદ્ધ થયો હતો અને એનાથી સિસ્ટમમાંથી કાળાં નાણાંનો પ્રવાહ ઘટી ગયો હતો.
ઔપચારિક બૅન્કિંગ સિસ્ટમમાં રૂ. ૧૫.૨૮ લાખ કરોડ રૂપિયા પાછા ફયૉ એ સાથે સમગ્ર અર્થતંત્રના સમગ્ર કેશ હોલ્ડિંગમાં સુધારો થવા પામ્યો છે, એમાં કશું જ બેનામી રહ્યું નથી. રૂ. ૧.૬ લાખ કરોડથી રૂ. ૧.૭ લાખ કરોડ સુધીનો શંકાસ્પદ વ્યવહાર તપાસની રાડાર પર છે અને ટેક્સ વહીવટીતંત્ર મોટા ડેટાના વિશ્ર્લેષણનો ઉપયોગ કરીને શંકાસ્પદ સોદાઓ ઉપર ત્રાટકવા હવે સજ્જ છે, એમ જેટલીએ જણાવ્યું હતું.