હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે ગુરવારે થયેલા મતદાનમાં અત્યાર સુધીનું સૌથી વધુ ૭૪ ટકા મતદાન થયું હતું.
અહીં હાલ કૉંગ્રેસની સરકાર છે અને એમના ૩૫ તથા ભાજપના ૨૮ વિધાનસભ્યો છે. આ સિવાય
ચાર સ્વતંત્ર ઉમેદવાર અને એક બેઠક ખાલી છે.
ભ્રષ્ટાચારને મુદ્દે વીરભદ્રસિંહની સરકાર પાડવા માટે ભાજપે અને સામે પક્ષે નૉટબંધી અને જીએસટીને મુદ્દે કૉંગ્રેસે મતદારોને પોતાની તરફેણમાં કરવા માટે જોરશોરથી પ્રચાર કર્યો હતો.
હિમાચલ પ્રદેશની વિધાનસભાની ૬૮ બેઠક માટે હાલના ૬૦ વિધાનસભ્યો સહિત કુલ ૩૩૭ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું.
ગુજરાત સહિત આ ચૂંટણીનાં પરિણામો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસિદ્ધિના માનક બની રહેશે.
ચૂંટણી માટે ૭૫૨૫ ચૂંટણી મથકો ઊભા કરવામાં આવ્યા હતા અને ૩૭૬૦૫ લોકોને ચૂંટણી સેવા માટે નિયુક્ત કરાયા હતા. રાજ્યમાં કુલ ૫૦૨૫૯૪૧ મતદારો છે.
મતદાન સવારે આઠ વાગ્યે
શરૂ કરવામાં આવ્યું હતું અને સાંજે
પાંચ વાગ્યે બંધ કરાયું હતું, પણ ૫૦૦ જેટલા બુથમાં હજુ લોકો લાઇનમાં મતદાન કરવા ઊભા હોવાથી, ત્યાં વધુ સમય માટે મતદાન ચાલું રખાયું હતું. આ કારણસર કુલ કેટલા ટકા મતદાન થયું, એનો ખરો આંકડો આવતા વાર લાગશે.
આ અગાઉ સૌથી મોટી સંખ્યામાં મતદાન ૨૦૧૨માં નોંધાયું હતું, એ વખતે ૭૩.૫ ટકા મતદાન થયું હતું.
ચૂંટણી પંચના ડેપ્યુટી ચૂંટણી કમિશનર સંદીપ સક્સેનાએ જણાવ્યું હતું કે ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી વખતે ૬૪.૪૫ ટકા મતદાન થયું હતું.
૬૮ મતદાર ક્ષેત્રના બધા જ મતદાન કેન્દ્ર માટે ૧૧,૨૮૩ વીવીપેટ મશીનો વાપરવામાં આવ્યા હતા.