નૉટબંધી બાદ નિર્માણ પામેલા કાળાં નાણાંને લગતી રૂ.૯૯૩૫ કરોડની મિલકત સંબંધિત મનીલૉન્ડરિંગ અને હવાલા ટ્રાન્ઝેક્શનને લગતા ૩૭૦૦ કરતા પણ વધુ કેસને મામલે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તપાસ કરી રહ્યું હોવાનું બહાર પાડવામાં આવેલા સત્તાવાર અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
ગયા વર્ષની ૮ નવેમ્બરે નૉટબંધીની જાહેરાત કરવામાં આવ્યા બાદ નોંધવામાં આવેલા આ કેસને મામલે ઇડી દ્વારા હાથ ધરવામાં આવેલા રિસ્ક અસેસમેન્ટમાં ૪૩ ટકા કેસમાં બનાવટી કંપનીઓ મારફતે કે પછી બૅંકો અને નાણાંકીય સંસ્થાઓ સાથે છેતરપિંડી કરીને આર્થિક ગુનો આચરવામાં આવ્યો હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
નૉટબંધી બાદ અન્ય શ્રેણીમાં આચરવામાં આવેલા આર્થિક ગુનાની ઈડી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ભ્રષ્ટાચાર (૩૧ ટકા), નશીલાપદાર્ર્થોનો વેપાર (૬.૫ ટકા), શસ્ત્રો અને વિસ્ફોટકો (૪.૫ ટકા) અને અન્ય (૮.૫ ટકા)નો સમાવેશ થાય છે. ભ્રષ્ટાચાર તેમ જ બૅંકો સાથે છેતરપિંડી કરીને ખરીદવામાં આવેલી મિલકતોનાં પ્રમાણનો હિસ્સો આમાં સર્વાધિક હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. નૉટબંધી બાદ નોંધવામાં આવેલા આ કેસની સામાન્ય સમીક્ષા દર્શાવે છે કે કાળાંનાણાંને ધોળાં કરવા બનાવટી કંપનીઓના ઉપયોગ માટે વેપારઉદ્યોગો અને વ્યાવસાયિકોએ સાંઠગાંઠ કરી હતી.
ઈડીના ડિરેક્ટર કર્નલસિંહે સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે એજન્સી કાળાં નાણાં અને ભ્રષ્ટાચારના દૂષણને ડામવાની લડત માટે તેમ જ તેમાં વ્યાવસાયિકતા લાવવા માટે પ્રતિબદ્ધ છે.
એજન્સી હાલ આ પ્રકારના ૩૭૫૮ કેસને મામલે તપાસ કરી રહી છે જેમાં ફૉરેક્સના નિયમો હેઠળના ૩૫૬૭ અને ઍન્ટી મનીલૉન્ડરિંગ ઍક્ટ હેઠળના ૧૯૧ કેસનો સમાવેશ થાય છે.