કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાથી મહિલાઓને ફાયદો થયો છે. તેમ જ ૧ કરોડ મહિલાને આરોગ્યના લાભ મળ્યા છે. ઉપરાંત પોલીસમાં અને સીઆરપીએફમાં મહિલાઓની હવે ભરતી થઈ છે. એટલું જ નહીં આગામી ચૂંટણીમાં મહિલાઓને મહત્ત્વ આપવામાં આવશે, તેમ અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય મહિલા પ્રધાન સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું. આ ઉપરાંત શહેરના જોધપુર વિસ્તારમાં સ્મૃતિ ઈરાનીએ ડોર-ટુ-ડોર લોકોનો સંપર્ક કર્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને એક મહિનાનો સમય બાકી હોવાથી ભાજપ અને કૉંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેમ જ કેન્દ્રના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કેન્દ્રીય ટેકસટાઈલ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ગુરુવારે સવારે અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારની ર૪ સોસાયટીમાં ઘરે ઘરે ફરીને મત માગ્યા હતા. તેઓ આ વિસ્તારમાં પહોંચ્યાં ત્યારે તેમને જોવા અને સેલ્ફી લેવા માટે મહિલાઓએ પડાપડી કરી હતી. અમદાવાદ ખાતે સ્મૃતિ ઈરાનીએ કૉંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, અમેઠીમાં રાહુલે અને કૉંગ્રેસે ૫૦ વર્ષથી કોઈ કામ કર્યું નથી. અમેઠીમાં કોઈ વિકાસ થયો નથી. અમેઠીમાં કલેક્ટર કચેરી પણ ભાજપના સીએમ યોગી આદિત્યનાથે બનાવડાવી. જોકે હાલમાં રાહુલ ગુજરાતના પ્રવાસે છે અને ગુજરાતમાં તેમનું સ્વાગત છે. ગુજરાતમાં જે વિકાસ થયો છે, તેને જોઈને રાહુલ ગાંધી પણ પ્રભાવિત થાય તો સારું. ઉજ્જવલા યોજનાથી મહિલાઓને ફાયદો થયો છે. એક કરોડ મહિલાને આરોગ્યના લાભ મળ્યા છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયામાં પોતાના પ્રચાર માટે પણ લોકોની મદદ લેવી પડે છે આગામી ચૂંટણીમાં ભાજપ દ્વારા મહિલાઓને મહત્ત્વ આપવામાં આવશે. ૩ કરોડ ગરીબ મહિલાઓને ગૅસ સિલિન્ડરથી ફાયદો થયો છે. આગામી ચૂંટણીમાં તેમના લડવા મામલે તેમણે કહ્યું હતું કે, ભાજપમાં ટિકિટ આપવાનો નિર્ણય પાર્લામેન્ટ્રી બોર્ડ કરશે.