અમેરિકાની બૌદ્ધિકોની સંસ્થાના સર્વેક્ષણ (પ્યૂ રિસર્ચ સર્વૅ)માં દાવો કરાયો હતો કે નરેન્દ્ર મોદીએ ગયા નવેમ્બરમાં નૉટબંધી કરી હોવા છતાં દર દસ ભારતીયમાંના નવ તેમની તરફેણ કરે છે.
સર્વેક્ષણના આ આંકડા ભારતમાં અર્થતંત્રનો વિકાસ ધીમો પડ્યો હોવાના સમાચારની પહેલાંના છે.
પ્યૂ રિસર્ચ સર્વૅમાં દેશના સૌથી વધુ વસતિ ધરાવતા ૧૮ રાજ્યમાંના ૧૬ અને દિલ્હીને આવરી લેવાયા હતા. ચાલુ વર્ષે જ કરાયેલા સર્વેક્ષણમાં ૨,૪૬૪ જણની મુલાકાત લઇને તેઓનો મોદી અંગેનો અભિપ્રાય માગવામાં આવ્યો હતો.
આ સર્વેક્ષણમાં કેરળ અને આસામને આવરી નહોતા લેવાયા. દર દસમાંના નવ ભારતીયે મોદીની તરફેણમાં અભિપ્રાય આપ્યો હતો અને તેમાંના સાત જણે તો આ વડા પ્રધાન પોતાને બહુ જ પ્રિય ગણાવ્યા હતા.
‘વૈશ્ર્વિક વલણ’ને લગતા આ સર્વેક્ષણમાં મોદી અંગેના સાત પાનાં છે.
સર્વેક્ષણમાં વિવિધ વયના લોકો, ખાસ કરીને ૧૮થી ૨૯ વર્ષના વયજૂથના મોટા ભાગના યુવાનોને એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે ભારતમાં હાલમાં મોદી જેટલો જનતાનો ટેકો ધરાવતી કોઇ રાજકીય વ્યક્તિ નથી.
અમેરિકાના એક આર્થિક અખબારે જણાવ્યું હતું કે સર્વેક્ષણ મુજબ મોદી હજી ભારતમાં સૌથી વધુ શક્તિશાળી રાજકારણી છે.
તેણે જણાવ્યું હતું કે ભારતના અંદાજે પચાસ ટકા લોકો દેશમાં લશ્કરી શાસન હોય તો વધુ સારું હોવાનું માને છે, જ્યારે ૫૫ ટકા ભારતીય માને છે કે દેશમાં જેને અદાલત કે સંસદની દખલગીરી નડતી ન હોય એવો શક્તિશાળી શાસક હોવો જોઇએ.
અખબારે જણાવ્યું હતું કે ભારતમાં દર દસમાંના છ જણ માને છે કે ભારતમાં બિનચૂંટાયેલા નિષ્ણાતોનું શાસન હોય તો દેશની સારી પ્રગતિ થઇ શકે છે.
પ્યૂ રિસર્ચે જણાવ્યું હતું કે ભારતમાં વસ્તુ અને સેવા કર (જીએસટી)નો અમલ થયા પછીના લોકોના અભિપ્રાયનો આ સર્વેક્ષણમાં સમાવેશ નથી કરાયો.
જનમત મુજબ મોદી રૅટિંગમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સરખામણીમાં ૩૦ પૉઇન્ટ આગળ છે.
સર્વેક્ષણમાં માલૂમ પડ્યું હતું કે ભારતીય જનતા પક્ષ (ભાજપ) દક્ષિણ ભારતમાં પણ લોકપ્રિય બની રહ્યો છે. ભારતના ૮૫ ટકા લોકો કેન્દ્ર સરકારમાં વિશ્ર્વાસ ધરાવે છે.
પ્યૂ રિસર્ચ સર્વૅમાં મોદી ઉપરાંત રાહુલ, કેજરીવાલ, રોજગારીની તક, કોમી તંગદિલી જેવા મુદ્દે પણ જનતાનો અભિપ્રાય લેવાયો હતો.
આમ છતાં, સર્વેક્ષણમાં પચાસ ટકા ભારતીયે ‘કોમી સંબંધ’ હાથ ધરવામાં અને ૪૮ ટકાએ હવાનું પ્રદૂષણ રોકવા માટેના પગલાં લેવામાં મોદીને ઓછું રૅટિંગ આપ્યું હતું. મોટા ભાગના ભારતીયે કોમી મુદ્દો પોતાના માટે પ્રાધાન્યની બાબત નહિ હોવાનો દાવો કર્યો હતો.