કેન્દ્રના પ્રધાનમંડળે જીએસટી હેઠળ નફાખોરી-વિરોધી રાષ્ટ્રીય સત્તામંડળ રચવા મંજૂરી આપી હતી. આ ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કાર્પૅટ ઍરિયા વધારાયો હતો અને કઠોળની નિકાસ પરના નિયંત્રણ ઉઠાવાયા હતા.
જીએસટી હેઠળ નફાખોરી-વિરોધી રાષ્ટ્રીય સત્તામંડળ રચવાથી ગ્રાહકોને અપ્રત્યક્ષ વેરાની નવી યંત્રણા હેઠળ ઘટેલા ભાવનો પૂરો લાભ મળવાની આશા વ્યક્ત કરાઇ હતી.
કેન્દ્રના પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે હાલમાં માત્ર પચાસ ચીજ પર ૨૮ ટકા જીએસટી લેવાય છે અને ઘણી ચીજ પરના જીએસટીનો દર ઘટાડીને પાંચ ટકા કરી દેવાયો છે.
તેમણે કેન્દ્રના પ્રધાનમંડળની બેઠક બાદ સંબંધિત નિર્ણયની માહિતી પત્રકારોને આપતા જણાવ્યું હતું કે જો કોઇ ગ્રાહકને લાગે કે તેને કરવેરામાં મુકાયેલા કાપનો લાભ નથી મળતો તો તે નફાખોરી-વિરોધી રાષ્ટ્રીય સત્તામંડળ સમક્ષ ફરિયાદ કરી શકશે.
રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે સરકાર જીએસટી હેઠળના બધા લાભ સામાન્ય ગ્રાહકો સુધી પહોંચાડવા મક્કમ છે.
અગાઉ, જીએસટી કાઉન્સિલે પાંચ સભ્યનું નફાખોરી-વિરોધી રાષ્ટ્રીય સત્તામંડળ રચવાની જાહેરાત કરી હતી. તેના વડાપદે કેબિનેટ સચિવ પી. કે. સિંહા અને સભ્યો તરીકે મહેસૂલ સચિવ હસમુખ અઢિયા, સીબીઇસીના અધ્યક્ષ વનજા સરન અને બે રાજ્યના મુખ્ય સચિવનો સમાવેશ કરાયો હતો.
આ સત્તામંડળ તેના અધ્યક્ષ હોદ્દો સંભાળે તે પછીના બે વર્ષની મુદત માટેનું હશે. તેના અધ્યક્ષ અને અન્ય ચાર સભ્યની ઉંમર ૬૨ વર્ષથી નાની હશે.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાંના મધ્યમ આવકના જૂથ (વર્ગ ૧)ની ક્રૅડિટ લિંક્ડ સબસિડી સ્કીમ હેઠળ વ્યાજમાંની રાહત માટે પાત્ર ઘરોનો કાર્પૅટ ઍરિયા ૯૦ ચોરસ મીટરથી વધારીને ૧૨૦ ચોરસ મીટર કરાયો છે.
મધ્યમ આવકના જૂથ (વર્ગ બીજો)માં કાર્પૅટ ઍરિયા હાલના ૧૧૦ ચોરસ મીટરથી વધારીને ૧૫૦ ચોરસ મીટર કરાયો છે.
મધ્યમ આવકના જૂથ (વર્ગ ૧)માં રૂપિયા છ લાખથી રૂપિયા બાર લાખની વાર્ષિક આવક ધરાવતા લોકોને રૂપિયા નવ લાખ સુધીના કરજના વ્યાજમાં ચાર ટકાની રાહતનો લાભ અપાય છે.
મધ્યમ આવકના જૂથ (વર્ગ બીજો)માં રૂપિયા ૧૨ લાખથી રૂપિયા ૧૮ લાખની આવકવાળા લોકોનો સમાવેશ થાય છે અને તેઓને રૂપિયા ૧૨ લાખ સુધીના કરજના વ્યાજમાં ત્રણ ટકા રાહત અપાય છે.
દરમિયાન, દેશમાં કઠોળના વિક્રમજનક ઉત્પાદનને ધ્યાનમાં રાખીને સરકારે દરેક પ્રકારના કઠોળની નિકાસ પરના નિયંત્રણ ઉઠાવી લીધા છે.
દેશમાં ૨૦૧૬-૨૦૧૭ની પાકની મોસમ (જુલાઇથી જૂન) દરમિયાન ૨૨૯.૫ લાખ ટન કઠોળનું ઉત્પાદન થયું હતું અને આ વર્ષે પણ કઠોળનું આટલું વિક્રમજનક ઉત્પાદન થવાની આશા રખાય છે.