રાજકોટ-69 વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂને ફરી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેઓનો જન્મ 26 જૂન 1966માં થયો હતો. રાજકોટની પશ્ચિમ સીટ પરથી વિજય રૂપાણી ચૂંટણી જીત્યા હતા. આગામી વિધાનસભામાં આ જ સીટ પર સીએમ સામે કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ચૂંટણી લડશે. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં આ ધારાસભ્યે સત્તાવાર 122 કરોડની સંપતિ જાહેર કરી હતી. તેઓ વૈભવી કારોના શોખીન છે.
ઇન્દ્રનીલ રાજ્યગુરૂના પુત્ર સ્વરાજે થોડા સમય પહેલા જ મોંઘીદાટ 4.5 કરોડની લેમ્બોર્ગીની કાર લીધી છે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ વાહનોના ભારે શોખીન છે. તેમની પાસે 5.68 કરોડના જુદા જુદા વાહનો છે. તેના 28 વર્ષીય પુત્ર સ્વરાજે લેમ્બોર્ગીની હરિકેન ઇટાલીયન કાર લીધી હતી. ઇન્દ્રનીલે માત્ર 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે.
રાજ્યગુરુ રાજ્યના અમીર ધારાસભ્યોમાં આગળના ક્રમે આવે છે. 2012ની વિધાનસભા ચૂંટણી વખતે તેમણે કરેલી એફિડેવિટમાં રૂપિયા 122 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. 2017ની ચૂંટણીમાં તેઓએ 141 કરોડની સંપત્તિ હોવાનો દાવો કર્યો છે. પોતાની એફિડેવિટમાં આપેલી માહિતી મુજબ તેમની પાસે કુલ 13 વાહનો છે. જેમાં લક્ઝરી કાર્સ, જીપ, ટ્રેક્ટર અને સ્કૂટર પણ છે. રૂપિયા 5.68 કરોડની કિંમતના તો તેમની પાસે વાહનો જ છે. તેમના વાહનોની એક ખાસિયત એ છે કે દરેકના રજિસ્ટ્રેશન નંબરમાં પાછળ 99 હોય જ છે.
2012ની ચૂંટણી બાદ રચાયેલી ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યોમાંથી 134 એટલે કે 74 ટકા કરોડપતિ હોવાનું એડીઆરના રિપોર્ટમાં બહાર આવ્યું હતું. 2007માં કરોડપતિ ધારાસભ્યોની સંખ્યા 31 ટકા જ હતી. ભાજપના 115 ધારાસભ્યોમાંથી 86 કરોડપતિ છે જ્યારે કોંગ્રેસના 61માંથી 43 કરોડપતિ છે. સૌથી વધુ સંપત્તિ સિધ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે રૂપિયા 268 કરોડ જાહેર કરી હતી. બીજા નંબરે ઇન્દ્રનીલ રાજ્યગુરુ. જ્યારે ત્રીજા નંબરે માણાવદરના જવાહર ચાવડાએ રૂપિયા 89 કરોડ જાહેર કરી હતી.