જૂનાગઢ જિલ્લા વિધાનસભા હેઠળ આવતી 5 બેઠકોમાં આગામી 9 ડિસેમ્બર મતદાન થનાર છે. આ 5 વિધાનસભા બેઠક પરના મતદારોમાં 279 મતદારો શતકવિરો છે. મતલબ આ મતદારો 100 વર્ષથી વધુની ઉંમર ધરાવતા મતદારો છે. દરેક ચૂંટણી વખતે તેઓ અચૂક મતદાન કરી લોકશાહીની પ્રણાલીને જીવંત રાખવાના પ્રયાસો કરી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લા વિધાનસભા હેઠળ જૂનાગઢ, વિસાવદર, માણાવદર,કેશોદ અને માંગરોળની બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો પર કુલ 279 મતદારો એવા છે કે જે સદી વટાવી ચૂકયા છે. આવા શતકવિરોમાં 86જૂનાગઢ વિધાનસભાના 49, 87 વિસાવદર વિધાનસભાના 75, 85 માણાવદર વિધાનસભાના 37, 88કેશોદ વિધાનસભાના 45 અને 89 માંગરોળ વિધાનસભાના 73 મતદારોનો સમાવેશ થાય છે. સૌથી વધુ શતકવિર મતદારોમાં 75 મતદારો સાથે વિસાવદર પ્રથમ ક્રમે છે.
73 મતદારો સાથે માંગરોળ બીજા ક્રમે, 49 મતદારો સાથે જૂનાગઢ ત્રીજા નંબરે, 45 મતદારો સાથે કેશોદ ચોથા નંબરે અને 45 મતદારો સાથે માણાવદર પાંચમાં નંબરે રહ્યું છે. 100થી વધુ વય ધરાવતા કુલ 279 મતદારોમાં 100 વર્ષના 21, 101 વર્ષના 153, 102 વર્ષના 11, 103 વર્ષના 20,104 વર્ષના 6,105વર્ષના 7, 106 વર્ષના 24, 107 વર્ષના 5, 108 વર્ષના 4, 109 વર્ષના 4, 110 વર્ષના 6, 111 વર્ષના 10, 112 વર્ષના 2,113 વર્ષના 1, 114 વર્ષના 1, 115 વર્ષના 3 અને 117 વર્ષના 1 મતદારનો સમાવેશ થાય છે.
જૂનાગઢના ગણેશનગર પ્રાથમિક શાળા પાસે રહેતા 101 વર્ષના મણીબેન ઉનાગરે જણાવ્યું હતું કે મતદાનનો દિવસ આવે તો મત માટે રિક્ષા મોકલી તેમાં લઇ જાય છે પરંતુ મતદાન થઇ ગયા પછી પરત મૂકવા પણ રિક્ષા આવતી નથી. છતાં મતદાન તો કરવા જઇએ જ છીએ.