પેટમાં કોઈપણ પ્રકારની તકલીફ થાય અને જો તે લાંબા સમય સુધી રહે ત્યારે કયા અવયવમાં તકલીફ છે એનું નિદાન કરવાનું હોય કે પ્રેગ્નન્સી દરમ્યાન બાળકનો વિકાસ બરાબર થાય છે કે નહીં એ તપાસવાનું હોય ત્યારે ડોક્ટરો સોનોગ્રાફી કરે છે. મેડિકલ ભાષામાં સોનોગ્રાફીને અલ્ટ્રાસાઉન્ડ ઇમેજિંગ કહેવાય છે. બહારથી ન જોઈ શકાતા શરીરના અવયવોની સ્થિતિ તપાસવા માટે આ ટેસ્ટ થાય છે. શરીરમાં કોઈ જ કાપો કે કાણું પાડ્યા વિના શરીરની અંદરના અવયવોની સાઇઝ, એમાં સોજો કે કોઈ અવરોધ છે કે કેમ એ અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટથી જાણી શકાય છે.
શરીરની અંદરના અવયવોની તપાસ માટે મોટા ભાગે રેડિયેશનનો ઉપયોગ થાય છે, પણ સોનોગ્રાફીમાં કોઈ જ પ્રકારનાં રેડિયેશનનો ઉપયોગ થતો નથી. એટલે એક્સ-રે કરતાં આ ટેસ્ટ વધુ સુરક્ષિત અને આડઅસર વિનાની મનાય છે. આ સિવાય ગર્ભાવસ્થા દરમ્યાન બાળકના વિકાસને માપવા માટે સોનોગ્રાફી-ટેસ્ટ ગર્ભસ્થ બાળક માટે પણ સેફ મનાય છે.
ગર્ભના વિકાસ તેમજ પોઝિશન અને મુવમેન્ટની જાણકારી માટે સોનોગ્રાફી શ્રેષ્ઠ ઈમેજિંગ ટેસ્ટ છે. આ ટેસ્ટમાં ગર્ભમાં રહેલાં બાળકના વજનનો અને ગર્ભની વયનો અંદાજ મળે છે. તેનાથી ડિલિવરીની ડ્યૂ ડેટ નક્કી થઈ શકે છે.
સામાન્ય રીતે રૂટીન તપાસમાં મહિલા રોગોના નિષ્ણાત ડોકટરો 2ડી સોનોગ્રાફી કરે છે. તેનાથી ગર્ભમાં બાળકની તસવીર લેવાય છે. આ તસવીર બે ડાયમેન્શનથી બ્લેક એન્ડ વ્હાઈટ ઈમેજ આપે છે. 3ડી ઈમેજમાં ગર્ભાશયમાં ઉછરતા બાળકની થ્રી-ડાઈમેન્શનલ એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ બધુ જ દેખાતું હોવાનું ખરેખર બાળક જ જોઈ રહ્યા હોઈએ તેવું લાગે છે. વળી આ તસવીર સ્થિર હોય છે.
માતાના સાંકડા ઉદરમાં પણ બાળક મુવમેન્ટ કરતું હોય છે. ક્યારેક લાત અને મુક્કા પણ મારે છે. આવી હિલચાલ 4ડી- ફોર-ડાઈમેન્શનલ અલ્ટ્રાસાઉન્ડ વીડિયોમાં જોઈ શકાય છે.
જોકે સામાન્ય રીતે કહેવાય છે કે 2ડી કરતાં 3ડી અને 3ડી કરતાં 4ડીમાં ઉગ્ર તીવ્રતા ધરાવતા અવાજના તરંગોનો ઉપયોગ કરાય છે. તેનાથી નુકસાન પણ થઈ શકે છે, અલબત્ત આ માન્યતા ખોટી છે.