જો તમારું બાળક ખૂબ જ શરમાળ છે અને તેના ટીચરે પણ તમને ઘણી વાર કહ્યું છે કે તે શિક્ષકો સાથે ઇવન ક્લાસમેટ સાથે વાત કરવામાં ખૂબ જ સંકોચ અનુભવે છે. તે ક્યારેય કોઈ ઇતર પ્રવૃત્તિમાં ભાગ નથી લેતી. તેને કોઈ પણ પ્રકારની કળામાં રસ નથી. તે ઘણો અંતર્મુખી છે. આમ, જો તમારે પણ તમારા શરમાળ બાળકને સ્માર્ટ અને કોન્ફિડન્ટ બનાવવું હોય તો કેટલીક ટિપ્સ અહિં આપવામાં આવી છે.
જો તમારું બાળક શરમાળ હોય તો તમને ચિંતા થાય એ સ્વાભાવિક છે. બાળકને સ્માર્ટ બનાવવા માટે તમારે શિક્ષકોની પણ મદદ લેવી પડશે. શાળામાં તેને આગળ પડતી થોડી જવાબદારી સોંપવામાં આવે તો તેનું વ્યક્તિત્વ ખીલશે. શાળામાં થતી ઇત્તર પ્રવૃત્તિની થોડી થોડી જવાબદારી તમારા બાળકને સોંપવામાં આવે તો ચોક્કસપણે તેના વ્યક્તિત્વમાં ફરક પડશે અને તે શરમ સંકોચને છોડીને બધા સાથે સારી રીતે વાતચીત કરી શકશે. તમે તમારા બાળકને ગ્રૂપ એક્ટિવિટીમાં સામેલ કરો. જો તેને ખરેખર કોઈ કલામાં રસ ના હોય તો સ્પોર્ટ્સમાં રસ હોઈ શકે છે.
કોઈ એવી પ્રવૃત્તિ તો હશે જ જે તેને આનંદ આપતી હોય. તેને ટૂર પર જવું ગમતું હોય તો ગ્રૂપ સાથે જવાનો પ્રોગ્રામ બનાવો. ગમતાં સ્થળો પર ફરવા લઈ જાવ. ટ્રેકિંગમાં જવું ગમતું હોય તો ટ્રેકિંગ કેમ્પમાં મોકલો. આ સિવાય ઘરમાં પણ એવી અનેક પ્રવૃત્તિ છે જે તેનું શરમાળપણું દૂર કરી શકે છે. ઘરમાં બધા મળીને કોઈ ગેઇમ રમો તેમાં તેને સામેલ કરો. ઘરનાં નાનાં-મોટાં કામ કરવા માટે તેને બહાર મોકલો. ટૂંકમાં, એવી પ્રવૃત્તિ કરાવો જેમાં લોકો સાથે તેને કમ્યુનિકેશન કરવાનું હોય. આવું કરવાથી ચોક્કસપણે તેનામાં ફરક પડશે.