એક અગ્રણી સરકારી અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે સરકાર પછાત વર્ગોના રાષ્ટ્રીય પંચને બંધારણીય દરજ્જો આપવાની જોગવાઇ ધરાવતા એક સુધારિત ખરડાને સંસદના આગામી શિયાળુ સત્રમાં ફરી રજૂ કરવાની છે.
તેમણે જણાવ્યું હતું કે પછાત વર્ગોના રાષ્ટ્રીય પંચને બંધારણીય દરજ્જો મળવાથી તેને અન્ય પછાત જાતિઓના અધિકાર અને હિતના રક્ષણ માટે પૂરી સત્તા મળશે.
સરકારી અધિકારીએ પોતાનું નામ જાહેર નહિ કરવાની શરતે જણાવ્યું હતું કે સરકાર અન્ય પછાત જાતિઓને સમાનતા અને સામાજિક ન્યાય અપાવવા કટિબદ્ધ છે અને સંસદના આગામી શિયાળુ સત્રમાં તે અંગે ખરડો ફરી રજૂ કરવાનું નક્કી કર્યું છે.
પછાત વર્ગોના રાષ્ટ્રીય પંચને બંધારણીય દરજ્જો અપાશે તો ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને અન્ય પછાત જાતિઓના વધુ મત મળવાની આશા રખાય છે.અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના રાષ્ટ્રીય પંચોની જેમ અન્ય પછાત જાતિઓના રાષ્ટ્રીય પંચને પણ બંધારણીય દરજ્જો આપવાની જોગવાઇ ધરાવતો ખરડો સંસદના ગયા સત્રમાં રજૂ કર્યો હતો.સરકારે સૌપ્રથમ સંબંધિત ખરડો લોકસભામાં રજૂ કર્યો હતો અને તેને પસાર કરાયો હતો.બાદમાં, રાજ્યસભામાં આ ખરડામાં અમુક સુધારા કરીને ખરડો રજૂ કરીને તેને પસાર કરાયો હતો.
સંસદના બન્ને ગૃહમાં પસાર કરાયેલા સંબંધિત ખરડાઓના અલગ-અલગ સ્વરૂપ હોવાથી સરકાર હવે સુધારિત ખરડો ફરી લોકસભામાં રજૂ કરશે.
પછાત વર્ગોના રાષ્ટ્રીય પંચની રચના ૧૯૯૩માં કરાઇ હતી, પરંતુ તેની સત્તા મર્યાદિત છે. તે અન્ય પછાત જાતિઓની યાદીમાં અમુક કોમનો સમાવેશ કરવો કે કાઢી નાખવા અંગે માત્ર ભલામણ કરી શકે છે.
અનુસૂચિત જાતિઓના રાષ્ટ્રીય પંચ પાસે જ હાલમાં અન્ય પછાત જાતિઓની ફરિયાદ સાંભળવાની અને તેના હિતના રક્ષણ માટે નિર્ણય લેવાની સત્તા છે.
અનુસૂચિત જાતિઓ માટેનું રાષ્ટ્રીય પંચ અન્ય પછાત જાતિઓ ઉપરાંત અનુસૂચિત જાતિઓની સમસ્યા પણ સાંભળતું હોવાથી તે અન્ય પછાત જાતિઓની જરૂરિયાત પૂરી કરવાની મર્યાદિત ક્ષમતા ધરાવે છે.
અધિકારીએ જણાવ્યું હતું કે પછાત વર્ગોના રાષ્ટ્રીય પંચને બંધારણીય દરજ્જો મળે તે પછી તે અન્ય પછાત જાતિઓના લોકોની ફરિયાદ સાંભળવા ઉપરાંત તેઓના અધિકાર અને હિતની સુરક્ષા માટે પગલાં લઇ શકશે.