વિશ્ર્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત ત્રણ દિવસની ધર્મપરિષદનો શુક્રવારથી પ્રારંભ થશે અને એમાં રામ મંદિરનું બાંધકામ, ધર્મ પરિવર્તનને રોકવું અને ગૌરક્ષા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ પરિષદમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, શ્રીશ્રી રવિશંકર અને યોગગુરુ રામદેવના પણ ભાગ લેવાની શક્યતા છે.
રાષ્ટ્રીય સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પરિષદની શરૂઆતમાં ભાષણ આપશે. આ પરિષદમાં દેશભરના ૨૦૦૦થી વધુ સંતો, મઠાધિશો અને વિશ્ર્વ હિંદુ પરિષદના કાર્યકરો ભાગ લેશે.
પરિષદમાં રામ મંદિરનું બાંધકામ, ધર્મ પરિવર્તનને રોકવું, ગૌરક્ષા, જાતી અને લિંગના આધારે કરવામાં આવતા ભેદભાવ, અસ્પૃશ્યતાને બંધ કરાવવા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
આ મહાપરિષદની સ્વાગત સભાનું નેતૃત્વ ઉડુપી મઠના મઠાધિશ શ્રી વિશ્ર્વેશા તિર્થ સ્વામી કરશે. એમણે જણાવ્યું હતું કે ધર્મપરિષદ રાજનીતિ અને રાજકીય એજેન્ડાથી મુક્ત રહેશે. મૈસુરના હાલના શાસક રાજવી ધર્મસ્થલ ધર્માધિકારી વિરેન્દ્ર હેગડે સ્વાગત કમિટીના વાઇસ ચેરમેન છે. આ પરિષદનું ઉદ્ઘાટન ટુમાકુરુના સિદ્ધગંગા મઠના પ્રમુખ શિવકુમાર મહાસ્વામી અને રંભાપુરીના વીરસોમેશ્ર્વર રાજાદેસીકેન્દ્ર શિવાચાર્ય સ્વામી કરશે. આ અગાઉ ૧૯૮૫માં બીજી ધર્મપરિષદનું આયોજન ઉડુપીમાં કરવામાં આવ્યું હતું. એ અગાઉના વર્ષે દિલ્હીમાં પહેલી ધર્મપરિષદમાં હિંદુ સંતો અને ધર્માધિકારીઓને એક છત્ર નીચે
લાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.