પ્રથમ તબકકાની વિધાનસભાની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશદેવીનાં ચરણે માથુ ટેકાવીને કરે તેવા સંકેતો પોલીસનાં ઉચ્ચ અમલદારોની માતાનામઢની મુલાકાત બાદ મળી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર માતાનામઢમાં દેશદેવી મા આશાપુરા પાસે માથુ ટેકવીને કરશે તેવું જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે જણાવ્યુ છે. તેમણે વડાપ્રધાનનાં કચ્છનાં ચૂંટણી પ્રચારનાં કાર્યક્રમ અંગે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન મોદી પ્રથમ દિલ્હીથી વિમાનમાર્ગે ભુજ હવાઈ મથકે આવી પહોંચશે, ત્યારબાદ ભુજ હવાઈ મથકેથી હેલીકોપ્ટર મારફતે માતાનામઢ પહોંચશે, ત્યાંથી હેલીકોપ્ટર મારફત ભુજ આવીને લાલન કોલેજ ખાતે જાહેરસભાને સંબોધશે. વડાપ્રધાનની સાથે રાજયનાં મુખ્યમંત્રી પણ પ્રવાસમાં જોડાવાનાં હોવાનું કેશુભાઈએ જણાવ્યું હતુ. વડાપ્રધાનની માતાનામઢની મુલાકાતને લઈ ત્યાં ઝડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પોલીસનાં ઉચ્ચ અમલદારોએ માતાનામઢ ખાતે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ખાસ માતાનામઢ પાસે હેલીપેડ બનાવવામાં આવ્યું જયાં વડાપ્રધાનનું હેલીકોપ્ટરથી ઉતરાણ થવાનું છે. સંભવત માતનામઢ આવનારા વડાપ્રધાનમાં નરેન્દ્ર મોદી પ્રથમ વડાપ્રધાની યાદીમાં આવશે.