રાજકોટ શહેરના વોર્ડનં.૩, જંકશન પ્લોટ વિસ્તારમાં ગઇકાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોકસંપર્ક કર્યો હતો. આ દરમિયાન તેમને વ્યાપક આવકાર મળ્યો હતો. લોકસંપર્ક યાત્રામાં સીંધી, શીખ, દેવીપૂજક, વાલ્મીકી, મુસ્લીમ સમાજના અગ્રણીઓ જોડાયા હતા. આંબલિયા હનુમાનના દર્શન કરી વિજયભાઇએ લોકસંપર્ક યાત્રાનો આરંભ કર્યો હતો. ડીજેના તાલે યુવાનો નૃત્ય કરતા હતા. ઘોડેસવારોએ પણ લોકસંપર્કને આકર્ષક બનાવ્યો હતો. આ વિસ્તારમાં ચુંટણી કાર્યાલયને વિજયભાઇએ ખુલ્લું મુકયું હતું. જંકશનપ્લોટમાં લોકસંપર્ક દરમ્યાન ભૂતપુર્વ મેયર જનકભાઇ કોટક, ભૂતપૂર્વ કોપોરેટર મુરલીધર દવે, અગ્રણીઓ હેમુભાઇ પરમાર, દિપક કારીયા, એડવોકેટ સુનીલભાઇ ટેકવાણી વગેરે તેમની સાથે જોડાયા હતા.