દશા સોરઠિયા વણિક સમાજનું સંમેલન ગઇકાલે યોજાયું હતું. તેમાં રાજયના મુખ્યમંત્રી અને રાજકોટ-૬૯ બેઠકના ભાજપના ઉમેદવાર વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતું કે જીએસટીને દેશમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે.કોંગ્રેસ પાસે ચૂંટણીમાં પ્રચાર કરવાના કોઇ નક્કર મુદ્દાઓ ન હોવાથી તે જીએસટીનો મુદ્દો ખોટી રીતે ઉઠાવી રહી છે. દશા સોરઠિયા વણિક સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરતા વિજયભાઇએ સમાજની યુવા પ્રતિભાઓ કે જેમણે સી.એ., એન્જિનિયરીંગ, મેડિકલ ક્ષેત્રે ઉજ્જવળ દેખાવ કર્યો હતો, તેમને અભિનંદન આપ્યા હતા.આ યુવા પ્રતિભાઓ ગુજરાતના વિકાસમાં મદદરૂપ બનશે એવી આશા વ્યકત કરી હતી.
વિજયભાઇએ જીએસટી અને નોટબંધીના નિર્ણયોને બીરદાવ્યો હતો. ભારતમાં જેટલી રોજગારીની તકો ઉભી થઇ તેમાં ગુજરાતનો મહત્વનો હિસ્સો રહ્યો હોવાથી રાજય વિકાસ અને પ્રગતિના પંથે અગ્રેસર છે. નરેન્દ્રભાઇ અને ભાજપ વિકાસની રાજનીતિમાં વિશ્વાસ ધરાવે છે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે ભાજપના શાસનમાં ગુજરાતમાં કફર્યુ ભૂતકાળની બાબત બની છે. રાજયમાં શાંતિ, સ્થિરતા અને એખલાસનો માહોલ સ્થપાયો છે. રાજયના મતદારોઆ બાબતથી પરિચિત હોવાથી વિધાનસભાની ચુંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે. વિજયભાઇએ દશા સોરઠિયા વણિક સમાજના પીઢ અગ્રરણી મોહનભાઇને યાદ કર્યા હતા.આ કાર્યક્રમમાં જ્ઞાતિના અગ્રણીઓ ધીરેનભાઇ લોટિયા, શૈલેષભાઇ લોટિયા, અતુલ કોઠારી, ઇન્દુબેનચુડાસમા, ચીમનભાઇ વખારીયા, સ્નેહલ ધોળકિયા, શૈલેષ શાહ, અનુપભાઇ શાહ, નાનુભાઇ લોટિયા, વિજય શ્રીમાંકર, વજુભાઇ ગોરસિયા વગેરે સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રીનલબેન અને પીનલબેન ધ્રુવે કર્યુ હતું.