એઇડ્સના રોગી 238 યુગલોના લગ્ન કરાવનાર અનોખી સંસ્થા
સુરતના રસીકભાઈ ભુવાનું પ્રશંસનીય કાર્ય
પહેલી ડિસેમ્બરના દિવસે દર વર્ષે એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એઇડ્સ એક ખતરનાક બિમારી છે. જેની સામે વધુ લોકો તેનો ભોગ ન બને તે માટે સંસ્થાઓ દ્વારા અવેરનેસની કામગીરી કરવામાં આવે છે. ત્યારે સુરતમાં ચાલીતી ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ્સ લીવિંગ વિથ એચઆઈવી એઈડ્સ (ૠગજઙ+)સંસ્થા એચઆઈવી પોઝિટિવ લોકોને જીવનસાથી શોધી આપવા માટે છેલ્લા 11 વર્ષથી કામ કરી રહી છે. આ સંસ્થાએ અત્યાર સુધીમાં 238 એચઆઈવી પોઝિટિવ યુગલોના લગ્ન કરાવ્યા છે.
2006થી શરૂ કરવામાં આવ્યો મેરેજ બ્યુરો
સંસ્થાના પ્રેસિડેન્ટ રસીક ભુવાએ જણાવ્યું હતું કે, સમાજમાં ઘણા યુવક-યુવતીઓ એચઆઈવી પોઝિટિવ ધરાવે છે. તેમના લગ્ન માટે તેમને યોગ્ય પાત્ર જલદી મળતું નથી જેના કારણે સમાજમાં તેમનો પરિવાર અસમંજસની સ્થિતિમાં મૂકાઈ જાય છે. આવા યુવક-યુવતીઓને યોગ્ય પાત્ર મળી રહે તે માટે 2006થી આ મેરેજ બ્યુરોની શરૂઆત કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 1700થી વધુ એચઆઈવી પોઝિટિવ યુવક અને યુવતીઓ ભાગ લઈ ચૂક્યા છે. જેમાંથી 238 યુવકોને યોગ્ય જીવનસાથીનો સાથ મળ્યો છે અને આજે તેઓ સુખીથી જીવન જીવી રહ્યા છે.
એચઆઈવી પોઝિટિવ બાળક ન જન્મે તે માટે કાઉન્સેલિંગ
આ ઉપરાંત રસીકભાઈએ વધુમાં જણાવ્યું કે જ્યારે તેમના લગ્ન નક્કી થાય છે ત્યારે અમે કપલનું કાઉન્સિલિંગ કરીએ છીએ અને લગ્ન બાદ તેમણે કંઈ બાબતોનું ધ્યાન રાખવું તેની માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત તેમને એચઆઈવી પોઝિટિવ બાળકનો જન્મ ન થાય તે માટે પણ પૂરતી માહિતી આપવામાં આવે છે.
શહેરમાં અનેક જગ્યાએ અવેરનેસ કાર્યક્રમનું આયોજન
આજ રોજ આ સંસ્થા દ્વારા સુરતમાં અનેક જગ્યાએ અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરોને એચઆઈવી અંગે માર્ગદર્શન આપવામાં આવશે. તેની પાછળનું મુખ્ય કારણએ છે કે સુરત શહેરમાં સમગ્ર રાજ્યભરમાં સૌથી વધારે એચઆઈવી ગ્રસ્ત લોકોની સંખ્યા જોવા મળી છે.જેની પાછળના કારણોમાં મુખ્યત્વે સુરતના ટેક્સટાઈલ,ડાયમંડ જેવા ઉધોગોમાં કુટુંબ પરિવાર છોડીને સુરતમાં એકલા રહેતા યુવા વર્ગના અસલામત જાતીય તથા સજાતીય સંબંધોના ચિંતા જનક હદે વધી રહેલા પ્રમાણ જવાબદાર છે. આ ઉપરાંત અઠવાલાઈન્સ પર સવારે 7 વાગ્યે રેલીનું આયોજન તેમજ રેડ રિબનનું વિતરણ કરવામાં આવશે.