વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વિધાનસભા ચૂંટણી પ્રચારના ત્રીજા તબક્કામાં તા. ૩ અને તા.૪ના રોજ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. જે અંતર્ગત તેઓ રાજકોટ,હાલાર, ઝાલાવાડ અને સોરઠમાં જાહેર સભા સબંધોશે.
વઢવાણનો અહેવાલ
વઢવાણના પ્રતિનિધિ ફઝલ ચૌહાણના અહેવાલમાં જણાવ્યું છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભા ચૂંટણીનો રંગ ખરાખરીનો જામ્યો છે. ત્યારે ઝાલાવાડની પાંચેય વિધાનસભા બેઠકો પર કબજો જાળવી રાખવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સભાનું આયોજન રવિવારે કરાયું છે.
સુરેન્દ્રનગર-જિલ્લાની દસાડા લીંબડી-વઢવાણ ચોટીલા અને ધ્રાંગધ્રા બેઠક પર હાલ ભાજપના ભગવો લહેરાઇ રહ્યો છે. જિલ્લાની પાંચેય બેઠક જાળવી રાખવા ભાજપ કમર કરશી છે જયારે બીજી તરફ મહત્વ બેઠકો પર કબ્જો કરવા કોંગ્રેસ મેદાને પડી છે આવા સમયે ઝાલાવાડમાં વડાપ્રધાન તરીકે મોદીની ચૂંટણી જાહેર સભાનું આયોજન કરાયું છે. સુરેન્દ્રનગરશહેરની આર્ટસ-કોલેજના મેદાનમાં સંભવત યોજાનાર. આ જાહેરસભામાં વડાપ્રધાન ઝાલાવડની પાંચેય બેઠકના ઉમેદવારોને જીતાડવા પ્રચાર કરશે.
તાજેતરમાં ચોટીલા ખાતે એરપોર્ટના ભૂમિ પૂજન બાદ ઝાલાવાડમાં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઇ મોદી બીજી વાર તા.૩ના રોજ આવનાર છે. આ કાર્યક્રમમાં ફેરફાર પણ થઇ શકે છે. પરંતુ હાલ વડાપ્રધાનની ચૂંટણી સભાની તૈયારી માટે ભાજપ પક્ષના કાર્યકરોની ટીમ કામે લાગી છે. આ ઉપરાંત બંદોબસ્તની દૃષ્ટિએ પણ પોલીસ કર્મચારીઓની ફાળવણી કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.
જુનાગઢનો અહેવાલ
જુનાગઢના પ્રતિનિધિ વિનુ જોષીના અહેવાલમાં જણાવ્યું છે કે તા. ૪ને સોમવારે બપોરે ર વાગ્યે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જાહેરસભા સંબોધશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જુનાગઢ જીલ્લાના વિધાનસભા બેઠકોના ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે જાહેરસભા સંબોધશે.
નરેન્દ્રભાઇ મોદીના આગમનથી સમાચાર મળતા જ ભાજપના આગેવાનો, કાર્યકરોમાં ઉત્સાહ છવાયો છે.
જામનગરનો અહેવાલ
જામનગરના પ્રતિનિધિ મુકુંદ બદિયાણીના અહેવાલમાં જણાવ્યું છે કે, તા.૪ને સોમવારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સાત રસ્તા, પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જાહેરસભા સંબોધશે.