ઘણી વખત દુઃખાવાથી છુટકારો મેળવવા માટે જાતે જ દવા લઈને ઈજાને થીગડું મારી દેવામાં આવે છે, પરંતુ પોતાની જાતે દર્દનું નિદાન કરીને દવા લેવાથી મોટો ગેરફાયદો થાય છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાંથી આ વાત જાણવા મળી છે. ગમે ત્યારે ગમે તે પ્રકારની ગોળી લેવી એ મોતને આમંત્રણ આપવા જેવું છે. મેડિકલ ગાઇડન્સ વગર દવા લેવાથી ચોક્કસ ટ્રીટમેન્ટ થતી નથી, રોગનું સચોટ નિદાન થતું નથી, ખોટું નિદાન થાય છે, રોગ સામે રક્ષણ મળવાને બદલે આડઅસર થઈ શકે છે. આ ઉપરાંત આર્થિક રીતે પણ ફટકો પડે છે.
ઘણી વખત મોંઘી દવાઓને કારણે બજેટ પણ ખોરવાય છે. આ રિસર્ચના અહેવાલ પ્રમાણે પોતાની જાતે કોઈ નિદાન કરવાથી કે મેડિકલ ગાઇડન્સ વગર દવા લેવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ સામે જોખમ ઊભું થાય છે. દર્દની સાથે અન્ય રોગ વધવાની ભીતિ રહે છે, જેને કારણે પ્રાથમિક તબક્કે દર્દમાંથી રાહત મળે પરંતુ લાંબા ગાળે આ પ્રકાની દવાઓ અને સિરપથી સ્વાસ્થ્યને મોટું નુકસાન થાય છે. આ ઉપરાંત ક્યારેક દવાઓના હાઈ પાવરને કારણે નબળાઈ પણ આવી જાય છે. આજે દુનિયાભરમાં મેડિકલ ગાઇડન્સ વગર દવાઓ લેવાનો ટ્રેન્ડ વધતાં લોકો પરોક્ષ રીતે મોતને નોતરી રહ્યાં છે. ભારતમાં પણ આ પ્રકારનો ટ્રેન્ડ વધતો જાય છે.
એન્ટિબાયોટિક માટે મેડિકલ ગાઇડન્સ અનિવાર્ય
અભ્યાસના અંતે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે લોકોમાં જાગ્રતિ આવે તેવા કાર્યક્રમો થવા જોઈએ. અસર અને આડઅસર અંગે સ્પષ્ટતા થવી જોઈએ, એન્ટિબાયોટિક દવાઓની સીધી અસર શરીરના મેટાબોલિઝમ અને સ્ટેમિના પર થાય છે, જ્યારે કેટલીક દવાઓની આડઅસરથી ચામડીને અસર થાય છે. કોઈ પણ દવાઓ સાથે એન્ટિબાયોટિકનું કોમ્બિનેશન આપવામાં આવે છે જેમાં યોગ્ય માત્રામાં માંસપેશીઓને અસર કરતાં તત્ત્વો હોય છે. ઘણી વાર ઇન્ટરનેટની મદદથી દવાઓ લેવામાં આવે છે પરંતુ દરેક વ્યક્તિની શરીરરચના અલગ હોવાથી તેની અસર જુદી રીતે થાય છે. સામાન્ય માંદગી અને દર્દમાં ગમે તેવી દવાથી ચલાવી લેવાય છે, પરંતુ આ પ્રકારની દવાની અસર હૃદય પર થાય છે, જેને કારણે બીમારી વધવાની શક્યતા રહે છે.