ગુજરાતમાં આજે બીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. આજે ગુજરાત માટે મેગા દિવસ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી નદીથી મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમ સુધી સી-પ્લેનમાં ઉડાન કરી હતી. જેમાં તેઓ ગણતરીમાં સમયમાં જ ધરોઈ ડેમ પર લેન્ડ થયા હતા. જ્યાંથી અંબાજી મંદિર તરફ જવાના રસ્તે તેમનો ભવ્ય રોડશો યોજાયો હતો. ગાડીમાં ઉભા રહીને તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ શો દ્વારા તેઓ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાના મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે મંદિરમાં પૂજા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત ઈલેક્શન દરમિયાન મંદિર પોલિટિક્સ ગરમાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છેલ્લા એક મહિનાથી ગુજરાતના વિવિધ મંદિરોમાં જઈને પૂજા કરી રહ્યા છે. આ પહેલાં પીએમ મોદી 13 ફેબ્રુઆરી 2014ના રોજ અંબાજીમાં દર્શન માટે આવ્યા હતા. તેઓ ત્રણ વર્ષ બાદ અંબાજી માતાના શરણે આવ્યા છે. મોદી અંબાજી માતામાં માને છે અને જ્યારે તેઓ સીએમ હતા ત્યારે દર નવરાત્રીએ અંબાજી આવતા હતા અને તેઓ પણ દાંતાથી જ અંબાજી જતાં હતા.