ગુજરાતમાં બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયા પછી એક્ઝિટ પોલનાં તારણો આવી રહ્યાં છે, જેમાં એનબીટી-સી વોટરના એક્ઝિટ પોલ મુજબ છેલ્લાં 22 વર્ષથી સત્તા પર રહેલા ભાજપને ફરી એક વાર વધુ પાંચ વર્ષ માટે સ્પષ્ટ બહુમતી સાથે સત્તા મળી શકે છે. આમ ગુજરાતમાં ફરી ભાજપનો ભગવો લહેરાશે અને કોંગ્રેસને ફાયદો થવા છતાં સત્તા તેના માટે જોજનો દૂર રહેશે તેવું અનુમાન છે. ગુજરાતને પીએમ મોદીએ મોડલ રાજ્ય બનાવ્યા પછી તેમના માટે ગુજરાતની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની રહી હતી. બીજી તરફ પાટીદાર આંદોલન પછી સત્તા હાંસલ કરવા કોંગ્રેસે પણ એડીચોટીનું જોર લગાવ્યું હતું. આમ આખા દેશની નજર ગુજરાતની ચૂંટણી અને તેનાં પરિણામો પર મંડાયેલી છે ત્યારે એક્ઝિટ પોલ મુજબ કુલ ૧૮૨ સીટોની વિધાનસભામાં ભાજપને 108 સીટો પર વિજય સાથે બહુમતી મળી શકે છે. સરકાર રચવા માટે અહીં જાદુઈ આંકડો 92નો છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર વચ્ચે કોંગ્રેસને ફક્ત 74 સીટોથી સંતોષ માનવો પડશે તેવી ધારણા છે. તમામ અગ્રણી મીડિયા સંસ્થાઓના એક્ઝિટ પોલમાં ભાજપાને ગુજરાત અને હિમાચલમાં બહુમત મળતી દેખાય રહી છે. હિમાચલમાં કૉંગ્રેસને પોતાની સત્તા ગુમાવી પડી શકે છે અને ભાજપા મોટી જીત નોંધાવી શકે છે. 2019 પહેલાં આ પરિણામ ખૂબ જ અગત્યના સાબિત થઇ શકે છે.
જો એક્ઝિટ પોલ જેવા જ બંને રાજ્યોમાં પરિણામ નીકળે છે તો ભાજપા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ એક મોટી સફળતા હશે. 2019ની લોકસભા ચૂંટણીને જોતા ભાજપાના વિજય રથને રોકવા કૉંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ માટે મોટો પડકાર બની જશે. ગુજરાતમાં પાટીદાર આંદોલન, 22 વર્ષનું શાસન, જીએસટી, અને નોટબંધી જેવા મુદ્દાઓ પર વેપારી વર્ગની નારાજગી બાદ પણ ભાજપા જો મોટી જીત નોંધાવે છે તો પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપાનું કદ વધુ વધી જશે.
એક્ઝિટ પોલ મુજબ પાટીદારોના અસંતોષ અને અન્ય પ્રાદેશિક મુદ્દાઓનો મોટો લાભ કોંગ્રેસને મળશે નહીં તેવું જણાઈ રહ્યું છે, જોકે 2012ની સરખામણીમાં તેને 13 સીટનો ફાયદો થશે જ્યારે ભાજપને 7 સીટોનું નુકસાન થવાની શક્યતા છે. 2012માં ભાજપને 115 અને કોંગ્રેસને 61 સીટો મળી હતી.
તો રાહુલ સામે પડકારો વધશે
કૉંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળ્યાની ઔપચારિક જાહેરાત પહેલાં ગુજરાતમાં પાર્ટીની હાર કૉંગ્રેસ અને રાહુલ ગાંધીની રાજકીય કેરિયર માટે મોટી નિરાશા બની શકે છે. રાહુલે ગુજરાત ચૂંટણી દરમ્યાન સતત રાજ્યમાં પોતાની સક્રિયતા બનાવી રાખી. જો કે મોટાભાગના પોલમાં કૉંગ્રેસના પ્રદદર્શનમાં મામૂલી પણ સુધારાની વાત કહેવામાં આવી રહી છે. એવામાં જો પાર્ટી બંને રાજ્યોમાં સત્તામાં પાછી ફરવામાં સફળ રહી તો રાહુલના નેતૃત્વક્ષમતા અને ભવિષ્ય પર પ્રશ્ન ઉઠવા- સ્વાભાવિક છે.
ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલમાં ભાજપનો ભગવો લહેરાવાની ધારણા
ઈન્ડિયા ટુડે અને એક્સિસ માયના પોલ મુજબ ગુજરાતમાં ભાજપને 99થી 113 સીટો એટલે કે સરેરાશ ૧૦૬ સીટ મળી શકે છે જ્યારે કોંગ્રેસ ગઠબંધનને ૬૮થી ૮૨ સીટ એટલે કે સરેરાશ ૭૫ સીટ મળવાની ધારણા છે. અન્યને ફાળે ૧થી ૪ સીટ જઈ શકે છે.
એબીપી ન્યૂઝ-સીએસડીએસના પોલમાં ભાજપના વિજયનો વરતારો
એનબીટી અને સી વોટર તેમજ એબીપી ન્યૂઝ- સીએસડીએસના પોલમાં પણ ભાજપના જંગી વિજયનો વરતારો છે. ભાજપને આ પોલમાં ૧૧૭ સીટો સાથે બહુમતી મળી રહી છે, જ્યારે ર્હાિદક પટેલ, જિજ્ઞોશ મેવાણી, અલ્પેશ ઠાકોર જેવા યુવાનોના ભરોંસે ચૂંટણી લડનાર કોંગ્રેસે ફક્ત ૬૪ સીટોથી સંતોષ માનવો પડશે.
ટાઇમ્સ નાઉ અને વીએમઆરના એક્ઝિટ પોલમાં ભાજપને ૧૦૯ સીટ
ટાઇમ્સ નાઉ અને વીએમઆરના એક્ઝિટ પોલમાં ભાજપને ૧૦૯ અને કોંગ્રેસને ૭૦ તથા અન્યને ૩ સીટ મળી શકે છે.
હિમચાલ પ્રદેશમાં થશે બમ્પર જીત સાથે પાછી ફરશે BJP?
હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થવામાં ત્રણ દિવસ બાકી છે ત્યારે એક્ઝિટ પોલનાં પરિણામો અને ધારણા જાહેર થઈ ગયાં છે. સોમવારે જાહેર થનારાં પરિણામો પહેલાના એક્ઝિટ પોલ મુજબ ભાજપનું કમળ ખીલવાનો વરતારો છે. કોંગ્રેસ પાસેથી સત્તા આંચકીને ભાજપ ત્યાં સરકાર રચે તેવો જનાદેશ મળવાની ધારણા છે. કોંગ્રેસના સીએમ વીરભદ્રસિંહનો તાજ છીનવાઈ જશે અને કોંગ્રેસના હાથમાંથી સત્તા સરકી જશે તેવું અનુમાન છે.
એનબીટી-સી વોટરના એક્ઝિટ પોલ મુજબ રાજ્યમાં વિધાનસભાની ૬૮ સીટોમાંથી ૪૧ સીટો ભાજપને ફાળે જવાની અને કોંગ્રેસને ફક્ત ૨૫ સીટો પર જીતનો સંતોષ માનવો પડે તેવી ધારણા છે. સરકાર રચવા માટે ભાજપને ૬૮માંથી ૩૫ સીટો મેળવવી અનિવાર્ય છે. આમ ભાજપને સરકાર રચવાના જાદુઈ આંકડા ૩૫ કરતાં ૬ સીટો વધુ મળે તેવી શક્યતા છે. અન્ય ૨ સીટો અપક્ષોને ફાળે જવાની ધારણા છે.
ઈન્ડિયા ટુ ડે અને એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં ભાજપના વિજયની આગાહી કરાઈ છે. જેમાં ભાજપને ૪૭થી ૫૫ અને કોંગ્રેસને ૧૩થી ૨૦ સીટ મળવાનું અનુમાન રજૂ કરાયું છે. અપક્ષોને ફાળે ૨ સીટ જઈ શકે છે. ન્યૂઝ ૨૪ અને ટુડે ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ ભાજપને ૫૫ અને કોંગ્રેસને ફક્ત ૧૩ સીટ મળી શકે છે.
૨૦૧૨ની ચૂંટણીની સરખામણીમાં આ વખતે ભાજપને રાજ્યમાં સારો જનાદેશ મળશે અને તેને ૧૫ સીટોનો ફાયદો થશે. ૨૦૧૨માં ભાજપને ૨૬ સીટો મળી હતી, જ્યારે કોંગ્રેસે ૩૬ સીટો જીતીને સરકાર બનાવી હતી. આ વખતે કોંગ્રેસને ૧૫ સીટોનું નુકસાન થઈ રહ્યું છે. અન્યને ૬ને બદલે ૨ સીટો જ મળી શકે છે.
શું કહે છે એક્ઝિટ પોલ?
સંસ્થા ભાજપ કોંગ્રેસ અન્ય
સી વોટર ૪૧ ૨૫ ૨
ઈન્ડિયા ટુડે – એક્સિસ ૫૧ ૧૬ ૧
ન્યૂઝ ૨૪ અને ટુડે ચાણક્ય ૫૫ ૧૩ ૦