ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૯૯ બેઠક મેળવીને વિજય હાંસલ કર્યો હતો. હવે ભાજપ સરકારના પ્રધાનમંડળની શપથવિધિ આગામી તા. ૨૫મી ડિસેમ્બરના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજવામાં આવે એવી શક્યતા છે ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન કોણ બનશે તેની અટકળો શરૂ થઈ છે. મુખ્ય પ્રધાનના નામની પસંદગી માટે કેન્દ્રીય નિરીક્ષકો અરુણ જેટલી અને સરોજ પાંડે બે દિવસમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન તરીકે નીતિન પટેલની ફરીવાર પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા સહિત જે ચૂંટાયા નથી તેમની પર પણ પસંદગી કરવામાં આવે એવી શક્યતા છે. બીજી બાજુ વિધાનસભાની ચૂંટણીમાં ૧૯૯૦ બાદ ભાજપને સૌથી ઓછી એટલે માત્ર ૯૯ બેઠકો જ મળવા પાછળ ભાજપની પરંપરાગત વોટબેન્ક પાટીદારોમાં પણ ભાગલા પડ્યા બાદ કેટલોક ભાગ કૉંગ્રેસ તરફ વળી જવાનું પણ કારણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે ત્યારે હવે લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી સુુધી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ કે અન્ય કોઇ પાટીદાર નેતાને મુખ્ય પ્રધાન બનાવા માટેનો સળવળાટ પણ જોવા મળી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના નેત્ાૃત્વમાં લડીને વિજય પ્રાપ્ત કર્યો હતો. ચૂંટણી પ્રચારટાણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ભાજપના પ્રદેશ પ્રભારી યાદવે એવી જાહેરાત કરી હતી કે ગુજરાતમાં ભાજપની સરકાર બનશે તો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને બનાવાશે. અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ગુડબુકમાં વિજય રૂપાણીનું નામ મોખરે છે જ્યારે પાટીદારોનો જનાધાર જાળવી રાખવા નીતિન પટેલને ફરીવાર નાયબ મુખ્ય પ્રધાનનું સુકાન સોંપાય તેવી શક્યતા છે. જોકે, ભાજપને ધાર્યા પ્રમાણેની બેઠકો મળી નથી એટલે નેત્ાૃત્વ પરિવર્તનની પણ માગ ઊઠી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે પ્રધાનમંડળમાં સ્થાન મેળવવા માટે પુન: ચૂંટાયેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણીને પ્રધાનમંડળમાં સ્થાન આપીને પ્રદેશ પ્રમુખ તરીકે અન્ય કોઈ પ્રદેશ અગ્રણીને જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે. જોકે, એક વાત નક્કી છે કે પ્રથમ પ્રધાનમંડળ ખૂબ નાનું રાખવામાં આવશે ત્યાર બાદ સમય જતા પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. હાલ તો ‘જો અને તો’ની ચર્ચા ચાલી રહી છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસ વિપક્ષ તરીકે મજબૂત બન્યો હોવાથી વિધાનસભામાં પણ ભાજપને અનેક પડકારોનો સામનો કરવો પડશે.