ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે ૮૦ બેઠકો મેળવીને મજબૂત વિપક્ષ બન્યો છે. ત્યારે વિપક્ષના નેતા કોને બનાવવા તેનું મંથન કૉંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા ચાલી રહ્યું છે.જેમાં અમરેલીની બેઠક પરથી ચૂંટાયેલા પરેશ ધાનાણીનું નામ મોખરે છે. અલ્પેશ ઠાકોરને કૉંગ્રેસ હાઇકમાન્ડે નવી દિલ્હી બોલાવ્યો હોવાનું જાણવા મળે છે. અલ્પેશ ઠાકોરે આ અંગે જણાવ્યું હતું કે, મારે કોઇ હોદ્દો જોઇતો નથી, પરંતુ પક્ષ કહેશે તો તે સ્વીકારવા હું તૈયાર છું. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થયા બાદ કેસરિયો લહેરતા ભાજપની સરકાર બનવા જઇ રહી છે ત્યારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કોણ બનશે તેને લઇને ચર્ચાએ જોર પકડ્યું છે. કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા સહિત સંસદીય બાબતોના જાણકાર નેતાઓનો પરાજય થતાં હાલમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે હાલમાં કૉંગ્રેસના ફાયરબ્રાન્ડ યુવા નેતા પરેશ ધાનાણીનું નામ અગ્રેસર ચાલી રહ્યું છે. જોકે, તેની સાથે અલ્પેશ ઠાકોરના નામની ચર્ચા પણ ચાલી રહી છે. આમ ભાજપ માટે જે રીતે મુખ્ય પ્રધાનપદ માટે ચાલી રહેલી અવઢવ સામે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકેના નામની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે. પાટીદાર ફેકટર અમરેલી બેઠક પર પરેશ ધાનાણીનો વિજય થતાં કૉંગ્રેસમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે અમરેલી પાટીદાર આંદોલનના પ્રમુખ કેન્દ્રમાંથી એક છે, અને ચૂંટણી સમયે કૉંગ્રેસના ફાયરબ્રાન્ડ યુવા નેતા તરીકે પરેશ ધાનાણીને ઉમેદવાર જાહેર કર્યા હતા.