ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ગઈકાલે જાહેર થતા ભાજપને ૯૯, કૉંગ્રેસને ૭૭, તેના સાથીદારોને ૩ બેઠક અને ૩ બેઠક અપક્ષોને મળી છે. ભાજપ સિવાયનું સંખ્યાબળ ૮૩ ધારાસભ્યોનું થાય છે. ગુજરાતમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના ૪ સભ્યો અરુણ જેટલી, પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા (ત્રણેય કેન્દ્રીય મંત્રીઓ) અને શંકર વેગડની મુદત બીજી એપ્રિલે પૂરી થાય છે તેથી માર્ચ સુધી તેની ચૂંટણી આવી રહી છે. આ વખતે ભાજપની બેઠકો ૨૧ જેટલી ઘટી છે અને કૉંગ્રેસની એટલી બેઠકો વધી છે તેની સીધી અસર રાજ્યસભાની ચૂંટણી પર પડશે. રાજકીય તોડફોડની શકયતા ડોકાવા લાગી છે. અહેમદ પટેલને હરાવવા શાહ - મોદીની જોડીએ સામ, દામ, દંડ અને ભેદની નીતિ રમી હતી પણ તેમાં સફળ થયા ન હતા જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ નવા સંખ્યા બળની દૃષ્ટિએ ભાજપ પાસે બે સભ્યો ચૂંટાવા જરૂરી ઉપરાંત ૪ ધારાસભ્યોની સંખ્યા વધે છે. જ્યારે કૉંગ્રેસ અને અન્યની સંખ્યા મળી બે સભ્યો ચૂંટાવામાં ૧૧ જેટલા ધારાસભ્યો ખૂટે છે. આ પ્રાથમિક ગણિત છે. ભાજપના બે અને કૉંગ્રેસના એક સભ્ય સરળતાથી રાજ્યસભામાં ચૂંટાઈ શકે તેમ છે. જો બંને પક્ષ વચ્ચે બબ્બે બેઠકોની સમજૂતી ન થાય તો ચોથી બેઠક જીતવા માટે ગયા જુલાઈમાં અહેમદ પટેલને જિતાડવા અને હરાવવા માટે થઈ હતી તેવી ધારાસભ્યોની ખેંચતાણ થવાની શકયતા રાજકીય સમીક્ષકો નિહાળી રહ્યા છે. જેની મુદત પુરી થઈ રહી છે તે ચારેય સભ્યો ભાજપના છે. નવા સમીકરણ મુજબ તેમા ઘટાડો નિશ્ર્ચિત છે. કૉંગ્રેસ અડધો ભાગ માગે તો સ્વભાવિક છે. ભાજપના ૪ સભ્યોના સ્થાને બે અથવા વધીને ૩ થઈ શકે તેમ છે. હાલ ગુજરાતમાંથી રાજ્યસભાના ૧૧ સભ્યો પૈકી ૯ ભાજપના અને માત્ર બે જ સભ્યો અહેમદ પટેલ તથા મધુસૂદન મિસ્ત્રી કૉંગ્રેસના છે. તેમાં ઓછામાં ઓછા એક અથવા મહત્તમ બેનો વધારો નિશ્ર્ચિત બન્યો છે.