ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૯૯ બેઠકો મેળવ્યા બાદ કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં મળેલી ભાજપના ૯૯ ધારાસભ્યોની બેઠકમાં મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન તરીકે નીતિન પટેલને સર્વાનુમતે ચૂંટી કાઢ્યા બાદ શનિવારે ભાજપના પ્રતિનિધિમંડળે રાજ્યપાલ ઓ. પી. કોહલીને મળીને સરકાર રચવાનો દાવો કર્યો હતો અને આગામી તા. ૨૬મીને મંગળવારે સચિવાલય, ગાંધીનગર ખાતે વિજય રૂપાણીના નેત્ાૃત્વમાં પ્રધાનમંડળનો શપથવિધિ સમારોહ યોજાશે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય પ્રધાનો તેમ જ ભાજપ શાસિત ૧૮ જેટલા રાજ્યોના મુખ્ય પ્રધાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરકારી તંત્રએ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેત્ાૃત્વમાં રચાનારી નવી સરકારનો શપથવિધિ સમારોહ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે. આ કાર્યક્રમમાં તમામ જિલ્લાઓના ભાજપના કાર્યકરો - આગેવાનો હાજર રહેશે અને શપથવિધિ સમારોહ મેગા-શો જેવો બની રહેશે. હાલ પ્રધાનમંડળમાં કોને સમાવવા તેની ચર્ચા-વિચારણા ચાલી રહી છે. ગત સરકારમાં જે પ્રધાનો જીતીને આવ્યા છે તે તમામનો પ્રધાનમંડળમાં સમાવેશ કરાશે. નવા પ્રધાન મંડળમાં નવ કેબિનેટ કક્ષાના અને ૧૬ રાજ્યકક્ષાના પ્રધાનો હશે. પ્રધાનમંડળમાં ૧૦ જેટલા નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવશે. પ્રધાનમંડળમાં તમામ જિલ્લાનું પ્રતિનિધિત્વ મળી રહે માટે કવાયત ચાલી રહી છે. હાલ કોને પ્રધાનમંડળમાં સ્થાન અપાશે તેની અટકળો ચાલી રહી છે. બીજી બાજુ કેટલાક ધારાસભ્યોએ પ્રધાનપદું મેળવવા માટે લોબિંગ પણ શરૂ કરી દીધું છે. નવા પ્રધાનમંડળમાં બેથી ત્રણ મહિલાઓને પણ સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે. પ્રધાનમંડળમાં જેમનો સમાવેશ કરાયો હશે તેમને સોમવાર સાંજ સુધીમાં ટેલિફોનથી જાણ કરવામાં આવશે.